Site icon Revoi.in

અવકાશમાં દુર્ઘટના ટળી: રશિયન ઉપગ્રહ-ચીની રોકેટ અથડાતા રહી ગયા

Social Share

બેઇજિંગ: અવકાશમાં એક મોટી દુર્ઘટના ટળી છે. હકીકતમાં અવકાશમાં સોવિયેત રશિયાના ઉપગ્રહ અને ચીનના રોકેટના અકસ્માતની દુર્ઘટના થોડાક માટે ટળી ગઇ છે. અવકાશમાં કાટમાળ તરીકે બેકાર રશિયન ઉપગ્રહ અને ચીનના નિષ્ક્રિય રોકેડ વચ્ચે અથડામણનું જોખમ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, અવકાશમાં કાટમાળને ટ્રેક કરતી કેલિફોર્નિયા સ્થિત કંપની લિયોલેબ્સે આ બંને વચ્ચે અથડામણની 10 ટકાથી વધુ સંભાવના વ્યક્ત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત લિયોલેબ્સે કહ્યું હતું કે, રશિયન સેટેલાઇટ અને ચીનના નિષ્ક્રિય રોકેટનું સંયુક્ત વજન 2800 કિલો હતું.

જો બંને ઓબ્જેકટ્સ એકબીજા સાથે ટકરાત તો કાટમાળનું એક વિશાળ વાદળ પેદા થઇ ગયું હોત, કારણ કે તે 52,950 કિ.મી પ્રતિ કલાકની તીવ્ર ગતિએ એકબીજા તરફ આગળ વધી રહ્યા હતા તેવું સ્પેસ ડોટ કોમે જણાવ્યું હતું. જો કે સદ નસીબે અથડામણ ટળી હતી.

બંને ઓબ્જેક્ટ્સને કોસ્મોલ 2004 અને સીઝેડ-4સી આર-બી નામ અપાયું હતું. લિયોલેબ્સે તેની એક ટ્વીટમાં જણાવ્યું કે, તેનો તાજેતરનો ડેટા એ બાબતની પુષ્ટી કરે છે કે કોસ્મોસ 2004 હજી પણ યથાવત્ છે. તે આગળના જોખમ અંગે આગામી સપ્તાહે માહિતી આપશે તેમ કંપનીએ કહ્યું હતું.

બીજી એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે રશિયન સેટેલાઇટ અને ચીનના રોકેટના કાટમાળ ટકરાયા હોત તો અવકાશમાં ફરતા ઉપગ્રહોને પણ ભારે નુકસાન થવાની સંભાવના હતી. જો કે આ બંને ઓબ્જેક્ટ્સની અથડામણથી પૃથ્વીને કોઇ જોખમ નહોતું.

(સંકેત)