- સ્વિત્ઝરલેન્ડ જવાનું પ્લાનિંગ કરી રહેલા લોકો માટે ખુશખબર
- સ્વિત્ઝરલેન્ડે હવે કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી
- આ કારણે હવે અન્ય દેશોના લોકોને ફરીથી સ્વિત્ઝરલેન્ડમાં પ્રવેશ મળી શકશે
નવી દિલ્હી: જો તમે પણ સ્વિત્ઝરલેન્ડ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. સ્વિત્ઝરલેન્ડે હવે કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આ કારણે હવે અન્ય દેશોના લોકોને ફરીથી સ્વિત્ઝરલેન્ડમાં પ્રવેશ મળી શકશે. સ્વિસ સરકારના નિવેદન અનુસાર કેટલીક શરતો સાથે હાઇ રિસ્ક ધરાવતા દેશો જેમ કે ભારતના લોકો પણ સ્વિત્ઝરલેન્ડ આવી શકશે. જે ભારતીયોએ કોવિશિલ્ડના બંને ડોઝ લીધા છે તેઓ પણ સ્વિત્ઝરલેન્ડ જઇ શકશે.
સ્વિત્ઝરલેન્ડે હવે કોરોના પ્રતિબંધો હળવા કર્યા છે. સ્વિસ સરકારે જણાવ્યું કે, ભારત જેવા ડેલ્ટા વેરિએન્ટ ધરાવતા દેશોના નાગરિકોને જો તેઓ સંપૂર્ણપણે વેક્સિનેટ હોય તો કોરોના ટેસ્ટ કે જરૂરી ક્વોરેન્ટાઇન વગર દેશમાં પ્રવેશપાત્ર છે.
સ્વિત્ઝરલેન્ડ સરકારના કહેવા પ્રમાણે જે લોકોએ વેક્સિન લીધેલી છે અથવા તો જેઓ બીમારીમાંથી બહાર આવી ચુક્યા છે તેમને જ્યાં સુધી એ નક્કી ન થઈ જાય કે વેક્સિનેશન સારી સુરક્ષા પ્રદાન કરે છે ત્યાં સુધી સ્વિત્ઝરલેન્ડમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. સાથે જ જે લોકોએ કોરોના વેક્સિન નથી લીધી અને જેઓ કોરોનામાંથી સાજા પણ નથી થયા તેમણે એક નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ અથવા તો રેપિડ એન્ટીજન રિપોર્ટ દેખાડવો પડશે અને દેશમાં એન્ટ્રી બાદ ક્વોરેન્ટાઈન થવું પડશે.
ભારતીય મુસાફરોની વાત કરીએ તો તેમણે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન- ‘કોવિશીલ્ડ’ના બંને શોટ્સ લેવા પડશે જેને ઈયુ ગ્રીન પાસ આપવામાં આવેલો છે. આ વેક્સિન WHO દ્વારા પણ એપ્રુવ છે.
સ્વિત્ઝરલેન્ડ સિવાય તુર્કી એવા કેટલાક દેશોમાં સામેલ છે જે ભારતીય પર્યટકોનું સ્વાગત કરી રહ્યું છે. જોકે પર્યટકોએ ત્યાં પહોંચ્યા બાદ 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન થવું પડશે કારણ કે તે ફરજિયાત છે.