- ચીને હવે તાઇવાનમાં સૌથી મોટી ઘૂસણખોરી કરી
- ચીને પોતાની વાયુસેનાના 24 લડાકૂ વિમાનો તાઇવાનની હવાઇ સીમામાં મોકલ્યા
- કેટલાક વિમાનો પરમાણું બોમ્બ લોન્ચ કરી શકે તેવા પણ હતા
નવી દિલ્હી: ભારત સહિતના સંખ્યાબંધ પાડોશી દેશો સાથે સીમા વિવાદનું સર્જન કરીને પંગો લેનાર ચીન હવે તાઇવાનને પણ ટાર્ગેટ કરી રહ્યું છે.
તાઇવાનને પોતાનો જ હિસ્સો માનતું ચીન ક્યારેક ક્યારેક તાઇવાન પર હુમલો કરવાની ધમકી આપવાની સાથોસાથ તેની હવાઇ સીમામાં પણ ઘૂસણખોરી કરતું હોય છે. જો કે આ વખતે ચીને અત્યારસુધીની સૌથી મોટી ઘૂસણખોરી કરી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ચીને ઘૂસણખોરીને અંજામ આપતા તાઇવાનની હવાઇ સીમામાં પોતાની વાયુસેનાના 24 લડાકૂ વિમાનો એક સાથે મોકલ્યા હતા. અલગ અલગ પ્રકારના વિમાનોમાં કેટલાક પરમાણું બોમ્બ લોંચ કરી શકે તેવા બોમ્બર વિમાનોનો પણ સમાવેશ થતો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર આ પહેલા ચીનની વાયુસેનાના વિમાનોએ 19 ફેબ્રુઆરીએ મોટા પાયે ઘૂસણખોરી કરી હતી. તે વખતે ચીને તાઇવાન પર આધિપત્ય જમાવવા માટે પોતાના 9 વિમાનોને મોકલ્યા હતા.
ચીને તો અગાઉ ધમકી પણ આપી છે કે, તાઇવાનની સ્વતંત્રતાનો અર્થ જ યુદ્વ થાય છે. તાઇવાનને મદદ કરતા આવેલા અમેરિકાને પણ ચીન ધમકી આપી ચૂક્યું છે. ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જાન્યુઆરીમાં પણ કહ્યું હતું કે, જે લોકો આગથી રમી રહ્યા છે તેઓ પોતે પણ આ આગમાં સળગી જઇ શકે છે.
(સંકેત)