- અમેરિકા વિરુદ્વ ભડક્યું તાલિબાન
- તાલિબાન વિરુદ્વ રહેલા પ્રતિબંધો અમેરિકા હટાવે
- કોઇપણ પ્રકારના પ્રતિબંધ સાંખી નહીં લેવાય
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બાદ હવે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાબ્દિક યુદ્વ છેડાયું છે.
તાલિબાની સરકારમાં સિરાજુદ્દીન હક્કાની એન્ટ્રી બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકા અનુસાર, જે લોકોને સરકારમાં સામેલ કરાયા છે તેમનો ટ્રેક રેકોર્ડ ભરોસાપાત્ર નથી. જો કે અમેરિકાના નિવેદન પર તાલિબાન ભડક્યું છે. તાલિબાને કહ્યું કે, આ પ્રકારનું નિવેદન અસ્વીકાર્ય છે અને કોઇ જાતના પ્રતિબંધ સાંખી નહીં લેવાય.
તાલિબાનને એક નિવેદન બહાર પાડીને કહ્યુ છે કે, અમેરિકાએ હક્કાની જુથને લઈને જે પણ કહ્યુ છે તે દોહામાં થયેલા કરારનુ ઉલ્લંઘન છે. હક્કાની જૂથ અને તેમનો પરિવાર પણ ઈસ્લામિક અમીરાતનો હિસ્સો છે.દોહા કરારના ભાગરુપે હવે સરકારમાં સામેલ તમામ લોકો પરનો પ્રતિબંધ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે હટાવી લેવો જોઈએ.જેની માંગણી લાંબા સમયથી અમે કરી રહ્યા છે.
તાલિબાને વધુમાં ઉમેર્યું હતું કે, અમેરિકા અને બીજા દેશો જે પ્રકારના નિવેદન આપી રહ્યા છે તે ચલાવી નહીં લેવાય. આવા નિવેદનો અટકવા જોઇએ અને અમેરિકાએ પોતાનું વલણ પણ બદલવાની જરૂર છે.
નોંધનીય છે કે, તાલિબાન સરકારમાં ગૃહ મંત્રી બનાવાયેલા સિરાજુદ્દીન હક્કાની પર અમેરિકાએ 73 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે.