Site icon Revoi.in

તાલિબાનીઓનો મનસ્વી નિર્ણય, હવે વિદેશી ચલણના ઉપયોગ પર પાબંધી લગાવી, ઉલ્લંઘન કરનારાઓને સજા થશે

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ બાદ હવે તાલિબાનીઓ અફઘાનના નાગિરકો પર એક પછી એક પાબંધીઓ લગાવી રહ્યા છે અને તેઓ પર દમન કરી રહ્યાં છે. હવે તાલિબાનની નવી સરકારે અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. જે લોકો આ આદેશનું ઉલ્લંઘન કરતા જણાશે તેની વિરુદ્વ કાર્યવાહી કરવાની પણ તાલિબાને ચિમકી ઉચ્ચારી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વ અને પાબંધીઓની નીતિને કારણે ત્યાંનું અર્થતંત્ર પણ તૂટી રહ્યું છે અને અફઘાનિસ્તાન પતન તરફ આગળ વધી રહ્યું છે. તાલિબાનના નિર્ણયોથી અફઘાનિસ્તાનની પ્રજા ઉપરાંત દેશને પણ અસર થઇ રહી છે. હવે વિદશી ચલણ પર પ્રતિબંધથી અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થામાં વધુ વિક્ષેપ આવી શકે છે. તેના આ નિર્ણયથી અન્ય દેશો અફઘાનિસ્તાન સાથેનું પોતાનું જોડાણ તોડે તેવી શક્યતાઓ મજબૂત બની છે.

આપને જણાવી દઇએ કે, 15 ઑગસ્ટના રોજ તાલિબાને કાબુલમાં કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદથી યુએસ, વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા અફઘાનિસ્તાનની USD 9.5 બિલિયનથી વધુની એક્સેસને અવરોધિત કરવામાં આવી છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે નિવેદન આપ્યું હતું કે, ઇસ્લામિક અમીરાત તમામ નાગરિકો, દુકાનદારો, વેપારીઓ અને સામાન્ય જનતાને સૂચના આપે છે કે તમામ વ્યવહારો અફઘાનિસ્તાનમાં કરો તેમજ વિદેશી ચલણનો ઉપયોગ કરવાથી દૂર રહો.

નોંધનીય છે કે, તાલિબાનની નવી સરકારના આ પ્રકારના મનસ્વી નિર્ણયથી અફઘાનિસ્તાનના બજારોમાં જે યુએસ ડોલરથી વિનિમય થાય છે તે બંધ થઇ જશે. આંતરરાષ્ટ્રીય વેપાર પણ પ્રભાવિત થશે. તે ઉપરાંત કોઇ આંતરરાષ્ટ્રીય સમર્થન પણ પ્રાપ્ત ના હોવાથી દેશની આર્થિક હાલત વધુ કફોડી બનશે.