યુદ્વ વગર જ અફઘાનિસ્તાન જીતવાની તાલિબાનની રણનીતિ, તેના પ્લાનથી અમેરિકા પણ ચોંક્યું
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાનના આતંકીઓ યુદ્વ લડ્યા વિના જ જીત મેળવવાની તૈયારીમાં છે. તાલિબાન હવે કાબુલની સરકારની સરખામણીમાં અફઘાનિસ્તાનની બોર્ડર પોસ્ટ પર ઘણું વધારે મજબૂત કબજો કરીને બેઠું છે. એવામાં એવી આશંકા વ્યક્ત કરઇ છે કે, આ આતંકી સંગઠન વધુ લડ્યા વિના દેશ પર વ્યૂહાત્મક રીતે વર્ચસ્વ સ્થાપિત કરવાની તૈયારીમં છે. જે બોર્ડર પોસ્ટ પર તાલિબાનનું નિયંત્રણ છે ત્યાં વેપાર રોકાઇ ગયા છે. એવામાં અફઘાન સરકારની આવકને ફટકો પડ્યો છે.
તાલિબાનનો દબદબો સતત વધી રહ્યો છે. ઇરાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાનને જોડતા હેરાત, ફરહા, કંધાર, કુંદુજ, તખર અને બદખ્શાં પ્રાંતોમાં ઘણા મોટા હાઇવે અને બોર્ડર પર કબજો કરી લીધો છે. આ રસ્તાઓથી 2.90 અબજ ડોલરની આયાત-નિકાસ થાય છે.
અફઘાનિસ્તાનની અશરફ ગની સરકાર હાલમાં નંગરહાર, પક્ત્યા, પક્તિકા, ખોસ્ત અને નિમરોઝ પ્રાંતોમાં ઈરાન અને પાકિસ્તાન સરહદે પોસ્ટ પર કબજો કરી રાખ્યો છે. આ રસ્તાઓથી થતા વેપારની કુલ કિંમત 2 અબજ ડોલરની આસપાસ છે. આતંકવાદીઓના આ પ્લાનથી અમેરિકા પણ ચોંકી ગયું છે. અમેરિકાની સેનાના ઘણા તજજ્ઞોએ પણ તાલિબાનની વધતી તાકાતને લઈને ચેતવણી આપી છે.
ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને સ્પર્શતી સરહદો પરની બે પોસ્ટ પર કબજો કરવા માટે ભયાનક લડાઈ ચાલી રહી છે. ચારે તરફથી જમીનથી ઘેરાયેલા અફઘાનિસ્તાનની સરહદ પશ્ચિમમાં ઈરાન, પૂર્વ અને દક્ષિણમાં પાકિસ્તાન અને ઉત્તરમાં તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તઝાકિસ્તાનને સ્પર્શે છે. પાકિસ્તાનના ઉત્તર ક્ષેત્રોની સાથે પૂર્વોત્તરમાં એક સાંકડી વખાન પટ્ટી અફઘાનિસ્તાનને ચીનના શિનજિયાંગ ઉઈગુર ક્ષેત્ર સાથે જોડે છે.
આ પડોશી દેશો જ અફઘાનિસ્તાનને દરિયા સુધી જવાનો રસ્તો પૂરો પાડે છે અને મોટાભાગના વેપારને સંભાળે છે. અફઘાનિસ્તાનના યુદ્ધ પર નજર રાખી રહેલા તજજ્ઞોનું માનવું છે કે, તાલિબાન સ્ટ્રેટેજિક રીતે વહીવટ, યુદ્ધ, ઉર્જા અને ભોજન સુદ્ધાં માટે ઉપયોગ કરાતા અફઘાન સરકારના સંસાધનોને બંધ કરવા પર ઝડપથી કામ કરી રહ્યું છે. તાલિબાનના આતંકવાદીઓ રાજધાની કાબુલ સુધી પહોંચી ગયા છે. ઈદ-ઉલ-અજહાના એક દિવસ પહેલા કાબુલમાં રાષ્ટ્ર પ્રમુખની નમાજ પહેલા તાલિબાન મોટા પ્રમાણમાં રોકટમારો કર્યો હતો. અતિ સુરક્ષિત મનાતા ગ્રીન ઝોનમાં આ રોકેટો પડવાથી લોકોના મનમાં તાલિબાનોનો ડર પેસી ગયો છે.
પાકિસ્તાનની બલૂચિસ્તાન પ્રાંતીય સરકારના પૂર્વ સલાહકાર જાન અચકઝઈને ટાંકીને દાવો કર્યો હતો કે, અફઘાનિસ્તાનની અશરફ ગની સરકાર લાંબા સમય સુધી ટકી શકશે નહીં. તાલિબાને સ્ટ્રેટેજિક રીતે મહત્વપૂર્ણ લાઈનો બંધ કરી દીધી છે. એટલું જ નહીં, સરહદો પર તાલિબાનનું નિયંત્રણ થવાથી આપૂર્તિ લાઈન પણ ઠપ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનનું શક્તિ સંતુલન ઝડપથી તાલિબાનના પક્ષમાં નમતું દેખાઈ રહ્યું છે.
વિશ્લેષકોનું માનવું છે કે, જો તાલિબાન આક્રામક રીતે સરહદો પર કબજાના પ્રયાસો ચાલુ રાખશે તો રાજધાની કાબુલ અને અન્ય સરકાર નિયંત્રિત ક્ષેત્રોને ટૂંક સમયમાં જ ભોજન અને ઉર્જાની ભારે અછતનો સામનો કરવો પડી શકે છે. તેમનું માનવું છે કે, તાલિબાન એક કુશળ રણનીતિ અંતર્ગત સરહદો પર કબજો કરી રહ્યું છે.