Site icon Revoi.in

અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને ભારતને લઇને આપ્યું આ મોટું નિવેદન, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનની હુકુમત ચાલી રહી છે અને ત્યાં મોટા ભાગના વિસ્તારો પર તાલિબાનનું નિયંત્રણ છે. તાલિબાનના ખોફ અને આતંકથી ડરેલા અફઘાન નાગરિકો અને વિદેશી નાગરિકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. આ બધા વચ્ચે તાલિબાને ભારત વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તાલિબાને કહ્યું છે કે, ભારત અફઘાનિસ્તાનમાં જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે તેને પૂરા કરવા જોઇએ. ભારતે વિવિધ પ્રોજેક્ટ માટે અફઘાનિસ્તાનમાં 3 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

અફઘાનિસ્તાનમાં ભારતના રોકાણને લઇને તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે, ભારતે અફઘાનિસ્તાનમાં પોતાના પ્રોજેક્ટ પૂરા કરવા જોઇએ. કારણ કે તે જનતા માટે છે.

ભારતે અફઘાનિસ્તાનમાં મોટું રોકાણ કર્યું છે પરંતુ ક્યારેય તાલિબાનને માન્યતા આપી નથી જ્યારે ભારતના અનેક કન્સ્યૂલેટ્સ અફઘાનિસ્તાનમાં છે. હવે આ બદલતા હાલાતમાં શું સ્થિતિ હશે? જેના જવાબમાં પ્રવક્તાએ કહ્યું કે  અમે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ દેશને પોતાનો હેતુ પૂરો કરવા કે કોઈ બીજા દેશ વિરુદ્ધ અદાવત કાઢવા માટે કરવા નહીં દઈએ. તેઓ અહીં આવીને પોતાના પ્રોજેક્ટ પૂરા કરી શકે છે કારણ કે તે જનતા માટે છે.

પાકિસ્તાની ચેનલ સાથે તાલિબાની પ્રવક્તાની વાતચીતનો આ વીડિયો પત્રકાર રેઝુલ હસન લસ્કરે ટ્વિટર પર શેર કર્યો છે.

આ બાજુ ભારત અફઘાનિસ્તાનના મુદ્દે અમેરિકા સાથે સતત વાતચીત કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકરે સોમવારે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે વાત કરી હતી. આ ઉપરાંત અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે પણ એસ.જયશંકર સાથે વાત કરી.

નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ બ્લિંકને તે તમામ દેશના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે, જેમણે અફઘાનિસ્તાનમાં વિકાસ યોજનાઓ પર ખુબ રોકાણ કર્યું છે જેમાં ભારત પણ સામેલ છે.