તાલિબાન હવે અફઘાન શીખને બનાવી રહ્યા છે નિશાન, હવે પવિત્ર ગુરુદ્વારા પરથી નિશાન સાહેબ હટાવ્યું
- તાલિબાનના નિશાના પર અફઘાન શીખ
- પવિત્ર ગુરુદ્વારા પરથી હટાવ્યું નિશાન સાહેબ
- ગુરુદ્વારા પર લાગેલો ધાર્મિક ઝંડો પણ હટાવી દીધો
નવી દિલ્હી: અમેરિકન સૈન્યની વાપસી બાદ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવવા માટે તાલિબાન ધમપછાડા કરી રહ્યું છે અને તાલિબાન પોતાની કટ્ટરવાદી વિચારધારા માટે કુખ્યાત છે.
તાલિબાની આતંકીઓએ તાજેતરમાં પકતિયા પ્રાંતમાં પવિત્ર ગુરુદ્વારા થાલ સાહેબની છત પર લાગેલો ધાર્મિક ઝંડો તેમજ નિશાન સાહેબ હટાવી દીધુ છે. તાલિબાન આ ક્ષેત્ર પર કબજો જમાવવા માટે તબાહી મચાવી રહ્યું છે. જો કે તાલિબાને આ અહેવાલને ફગાવી દીધો છે.
આપને જણાવી દઇએ કે આ ગુરુદ્વારાનું શીખોમાં ખૂબ જ મહત્વ છે. શ્રી ગુરુ નાનક દેવ પણ આ ઐતિહાસિક સ્થળે આવી ચૂક્યા છે. એક અહેવાલ અનુસાર, તાલિબાનીઓએ તેની છત પરનું નિશાન સાહેબ હટાવી દીધુ છે.
અફઘાનિસ્તાનમાં જોકે લઘુમતીઓ પરના અત્યાચારની ઘટનાઓ પહેલા પણ બનતી રહી છે. અહીંયા રહેતા હિન્દુઓ અને સીખો તેના કારણે દેશ છોડવા માટે પણ મજબૂર બની રહ્યા છે. ખાસ કરીને પકતિયા પ્રાંતનો વિસ્તાર 1980ના દાયકાથી તાલિબાનનો ગઢ મનાય છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે ગુરૂદ્વારા સેવા કરવા માટે પહોંચેલા નિદાન સિંહ સચદેવનુ અપહરણ કરાયુ હતુ. જોકે તેમને પાછળથી છોડી દેવામાં આવ્યા હતા. અમેરિકન સૈનિકોની ઘર વાપસી બાદ તાલિબાનનો આંતક આ વિસ્તારમાં વધી ગયો છે.