- કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માસ્કની અગત્યની ભૂમિકા
- જો 70% લોકો માસ્ક ફરજીયાત પહેરે તો કોરોનાને ફેલાતો અટકાવી શકાય: અભ્યાસ
- માસ્ક કોરોના ફેલાવતા ડ્રોપલેટ્સને રોકવામાં કારગત નિવડે છે: અભ્યાસ
સિંગાપોર: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકોને સતત સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા તેમજ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. હવે માસ્કને લઇને એક નવું સંશોધન પ્રકાશિત થયુ છે. આ સંશોધન અનુસાર જો 70 ટકા વસતી ફરજીયાત માસ્ક પહેરે તો કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય તેમ છે. માસ્ક કેવું પહેરવામાં આવે છે તે પણ કોરોના સંક્રમણને રોકવામાં અગત્યનો ભાગ ભજવે છે.
ફિઝિક્સ ઑફ ફ્લુઇડ્સના પબ્લિશ થયેલા જર્નલમાં એ સાબિત થયું છે કે મોટાભાગના કિસ્સામાં ફેસ માસ્ક પહેરવાની કાળજી રાખવામાં આવતી નથી જેના કારણે કોરોના વાયરસ ફેલાય છે. આવામાં જો અમુક ટકાવારીમાં લોકો માસ્ક પહેરતા થઇ જાય તો વાયરસને ફેલાતો અટકાવી શકાય છે.
સિંગાપોર સ્થિત નેશનલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સંજય કુમાર આ અભ્યાસમાં લખે છે સારી ગુણવત્તાના ફેસ માસ્ક જેવા કે સર્જિકલ માસ્ક 70 ટકા વસતી દ્વારા પણ જો જાહેરમાં પહેરવામાં આવે તો કોરોનાના સંક્રમણની ચેઇનને અટકાવી શકાય તેમ છે. તે ઉપરાંત જો સાધારણ કપડાંમાંથી બનાવેલું માસ્ક વારંવાર પહેરવામાં આવે તો પણ તે વાયરસને ફેલાવાની ગતિને ઓછી કરે છે.
વૈજ્ઞાનિકો અનુસાર વ્યક્તિ જ્યારે સંવાદ કરે છે, ગાય છે, છીંક ખાય છે, ખાંસી ખાય કે પછી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરે છે ત્યારે અમુક લાળ કે થૂંકના કણો હવામાં ફેલાય છે જે કોરોના ફેલાવાનું કારણ બની શકે છે. થૂંક કે લાળના છાંટા 5-10 માઇક્રોન્સના હોય છે, જે સામાન્ય છે પરંતુ 5 કરતા નાના માઇક્રોન્સના છાંટા વધારે ખતરનાક સાબિત થાય છે.
માસ્ક હવામાં જતા ડ્રોપલેટ્સને અટકાવે છે
વ્યક્તિ વિભિન્ન પ્રકારના માસ્કનો ઉપયોગ કરે છે જેમાં કાપડના માસ્ક, સર્જિકલ માસ્ક, N95 માસ્કનો સમાવેશ થાય છે જે હવામાં જતા ડ્રોપલેટ્સને અટકાવે છે.
રિસર્ચ અનુસાર મેડિકલ ક્ષેત્રમાં કાર્યરત લોકો કલાકો સુધી કામ કરવા સમયે આ માસ્ક પહેરતા હોય છે જેનાથી તેમને સુરક્ષા મળે છે અને વાયરસને ફેલાતો અટકાવી શકાય છે.
માસ્કમાં ખાસ કરીને પોલિમર મટીરિયલ્સમાંથી બનેલા માસ્ક સારી રીતે વાયરસ ફેલાવતા ડ્રોપલેટ્સને અટકાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારના માસ્ક શ્વાસોચ્છવાસ દરમિયાન મોઢાને ગરમ થવા નથી દેતા. સતત માસ્કનો ઉપયોગ કરવાથી ઘાતક વાયરસ ફેલાતો અટકી શકે છે જેમાં સર્જિકલ માસ્ક પણ કારગત નિવડે છે.
(સંકેત)