Site icon Revoi.in

વર્ષ 2020 – કોરોના, હિંસા, પૂર: દુનિયાના ચાર દેશોની હાલત અત્યંત દયનીય

Social Share

સુદાન: છેલ્લા એક વર્ષની અંદર કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે અને દરેક રીતે ઉથલપાથલ જોવા મળી છે. એકપણ દેશ એવો નથી કે જ્યાં કોરોનાએ લોકોની આજીવિકા ના છીનવી હોય. કેટલાક દેશો તો એવા હતા કે જ્યાંની હાલત પહેલાથી જ કંગાળ હતી અને કોરોનાને કારણે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સિવાય સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં કેટલાક દેશોમાં ભયાનક દુકાળ પડવાની શક્યતા છે. જેમાં યમન, બુર્કિના, ફાસો અને નાઇજીરિયા સહિતના દક્ષિણ સુદાનના કેટલાક ભાગનો સમાવેશ થાય છે.

આ બધામા સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ સુદાનની જોવા મળી રહી છે. દક્ષિણ સુદાનમાં ઘણા લાંબા સમયથી હિંસા જોવા મળી રહી છે. ત્યારબાદ ત્યાં પૂરે તબાહી મચાવી અને હવે કોરોનને કારણે સ્થિતિ દયનીય બની છે. લોકો પાસે પૈસા કે આજીવિકા રહી નથી. સરકારી તંત્ર પણ ખાડે ગયું છે. સરકાર પાસે પણ પૈસાની અછત છે.

દક્ષિણ સુદાનના પિબોર કાઉન્ટી વિસ્તારને આ વર્ષે ભયાનક હિંસા અને ભયંકર પૂરનો સામનો કરવો પડ્યો છે. દેશના લેકુઆંગોલે શહેરમાં રહેતા સાત પરિવારોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વર્ષે ફેબ્રુઆરીથી નવેમ્બર વચ્ચે તેમના 13 બાળકો ભૂખ્યા મરી ગયા છે. તો આ સિવાય આસપાસના વિસ્તારમાં માત્ર ત્રણ મહિનામાં બીજા 17 બાળકો ભૂખમરાના કારણે મર્યા હોવાની વાત સામે આવી છે.

યુએન દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં દક્ષિણ સુદાનના દુકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે દક્ષિણ સુદાન અત્યારે અકાળની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. તેઓ અર્થ એ થયો કે દેશના 20 ટકા પરિવારોને પૂરતું ભોજન નથી મળતું. આ સિવાય દક્ષિણ સુદાનના 30 ટકા બાળકો કુપોષણનો શિકાર છે.

નોંધનીય છે કે વર્તમાન સમયમાં સુદાન પાંચ વર્ષથી ચાલતા ગૃહ યુદ્વમાંથી બહાર આવવા માટે મરણોતલ પ્રયાસ કરી રહ્યું છે. તો બીજી તરફ પૂર અને કોરોનાના કારણે સંકટ ઘેરું બન્યું ચે. સતત હિંસા અને યુદ્વની સ્થિતિના કારણે જ ત્યાં ભૂખમરાની સ્થિતિનું નિર્માણ થયું છે.

(સંકેત)