- યમનમાં સતત વકરી રહેલી યુદ્વની સ્થિતિને લઇને ભારતે ચિંતા વ્યક્ત કરી
- ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આ યુદ્વની સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી
- વર્તમાન પરિસ્થિતિ આતંકી સંગઠનોની હાજરી તેમજ સક્રિયતાને વધુ વેગ આપશે: ભારત
નવી દિલ્હી: યમનમાં યુદ્વની સ્થિતિ સતત વધી રહી છે અને વણસી રહી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતે તેને લઇને ચિંતા વ્યક્ત કરી છે. ભારતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ આતંકી સંગઠનોની હાજરી તેમજ સક્રિયતાને વધુ વેગ આપશે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ નાગરાજ નાયડૂએ કહ્યું હતું કે યમનના અનેક શહેરોમાં જે સંકટજનક સ્થિતિ છે, તેનાથી નાગરિકોને જાનહાનિ થવાની, વિધ્વંસ તેમજ ત્યાંથી સ્થળાંતર થવાન સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. યમનના અનેક વિસ્તારોમાં યુદ્વની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ખાસ કરીને મરીબમાં, જ્યાં આંતરિક રીતે લોકો મોટા પાયે ત્યાંથી પલાયન કરી રહ્યા છે.
આ તકનો લાભ લઇને અનેક આતંકી સંગઠનો સક્રિય થવાની આશંકા વધી છે. અલકાયદા તેમજ ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકી સંગઠનો તેની સક્રિયતાને વધુ વેગ આપી શકે છે, જે ચિંતાજનક છે. ભારતે સાઉદી અરબમાં તેલના કુવા અને નાગરિકોના આવાસના વિસ્તારોમાં મિસાઇલ તેમજ ડ્રોનથી થતા હુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સ્થિતિમાં દરેક પક્ષોએ સંયુક્તપણે આ હિંસાને રોકવા માટે પ્રયાસરત થવું આવશ્યક છે તેવુ ભારતે આહવાન કર્યું છે.
જણાવી દઇએ કે ગત દિવસોમાં યમનના હાઉતી વિદ્રોહીઓએ સાઉદી અરબમાં ફરીથી બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. ઇરાન સમર્થિત આ સંગઠનઓએ ગત 7 માર્ચે પણ ડ્રોન અને મિસાઇલોથી આ ખાડીના દેશમાં તેલના કુવાને નિશાન બનાવ્યા હતા.
(સંકેત)