- અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાનનો વધતો આતંક
- તાલિબાની આતંકીઓ અનેક વિસ્તારોનો કરી રહ્યા છે કબજો
- જ્યારે અફઘાનિસ્તાનના 300 થી વધુ સૈનિક સરહદ પાર કરીને તજાકિસ્તાન જતા રહ્યા હતા
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ ત્યાં ફરીથી તાલિબાનોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યાં તાલિબાની આતંકીઓ ફરીથી સક્રિય થઇ ગયા છે અને ત્યાં કબજો કરવા લાગ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઉત્તરી અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ સૈનિકોને ભગાડીને અનેક વિસ્તારો પર કબજો કરી લીધો છે. જ્યારે અફઘાનિસ્તાનના 300 થી વધુ સૈનિક સરહદ પાર કરીને તજાકિસ્તાન જતા રહ્યા હતા.
તાજિકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા અંગેની સ્ટેટ કમિટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તાલિબાની આતંકીઓ મોટી સંખ્યામાં સરહદી વિસ્તારો કાબુ કરવા માટે આગળ વધી રહ્યા હતા. તે અંગેની જાણકારી મળતા અફઘાનિસ્તાનના 300થી વધુ સૈનિકો અફઘાનિસ્તાનના બડાખશાન પ્રાંતથી ભાગીને અમારી સરહદ પાર કરી પ્રવેશ કર્યો છે.
માનવતા અને સારા પાડોશી દેશ હોવાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અમે અફઘાનિસ્તાનના સૈનિકોને પાછા હટી રહ્યા હતા ત્યારે શરણ આપી હતી અને કોઇ જ વિરોધ નહોતો કર્યો.
આપને જણાવી દઇએ કે એપ્રિલના મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા અંતહીન યુદ્વને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જે બાદ તાલિબાને અફઘાનિસ્તાનમાં ફરીથા માથું ઉચક્યું છે અને હુમલા વધારી દીધા છે.
સાથે જ જે વિસ્તારોમાંથી અમેરિકન સૈન્યએ તેમને ભગાડયા હતા ત્યાં ફરી કબજો કરવામાં આવી રહ્યો છે. હાલની સિૃથતિ અનુસાર અફઘાનિસ્તાનના 421 જિલ્લામાંથી ત્રીજા ભાગ પર તાલિબાની આતંકીઓનો કબજો છે. અને હવે તેઓ પોતાના કબજા વાળા વિસ્તારોને વધારવા લાગ્યા છે.