Site icon Revoi.in

બ્રિટનમાં ઝડપી વેક્સિનેશન છતાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ

Social Share

નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના મહામારી દરમિયાન સૌથી પહેલા રસીકરણ અભિયાન બ્રિટનમાં શરૂ થયું હતું. જો કે તેમ છતાં પણ ત્યાં હવે કોરોનાની ત્રીજી લહેર પ્રકોપ વર્તાવી રહી છે. બ્રિટનના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક અનુસાર, કોવિડ-19નો સૌથી વધુ ઘાતક ડેલ્ટા વેરિયન્ટને લીધે બ્રિટન કોરોનાની ત્રીજી લહેરમાં સપડાયું છે. ગત 24 કલાકમાં બ્રિટનમાં 10 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જે પછી ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધી છે.

દેશમાં હવે કોરોના વેક્સિન અને ડેલ્ટા વેરિયન્ટ વચ્ચે મુકાબલો થઇ રહ્યો છે તેવું બ્રિટનના વરિષ્ઠ વૈજ્ઞાનિક એડમ ફિને કહ્યું છે. ડેલ્ટા વેરિયન્ટ જોખમી સ્તરે બ્રિટનમાં ફેલાઇ રહ્યો છે. જેને ચોક્કસપણે બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર કહી શકાય. પરિસ્થિતિ કાબૂમાં છે ત્યાં સુધી બને એટલા લોકોએ વેક્સિન લઇ લેવી જોઇએ.

બ્રિટન સરકારના આંકડા દર્શાવે છે કે, દેશમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જેના કારણે દરેક 540 દર્દીમાં એક દર્દી ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થઇ રહી છે. બ્રિટનની હેલ્થ સર્વિસ દાવો કરી રહી છે કે કોરોના રસીનો એક ડોઝ પણ સંક્રમણના જોખમને 75 ટકા સુધી ઘટાડી શકે છે. જ્યારે બંને ડોઝ લઇ ચૂકેલા લોકોને સંક્રમિત થવાની અને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાને 90 ટકા સુધી ઘટાડે છે.

ભારતમાં ડેલ્ટા વેરિયન્ટને લીધે બીજી લહેરે ભારે કહેર વર્તાવ્યો હતો. દેશમાં એપ્રિલ અને મેનો સમય ભારે કપરો હતો. જેમાં દૈનિક સ્તરે કોરોના સંક્રમણના નવા કેસ અને મૃત્યુદર પણ સતત વધ્યો હતો. કોરોનાની બીજી લહેરના પ્રકોપ સામે આખા દેશની સ્વાસ્થ સુવિધા નબળી પૂરવાર થઇ હતી.