- કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ કોટન મટીરિયલમાંથી વિશિષ્ટ માસ્ક બનાવ્યું
- આ માસ્ક 99.9 ટકા સુધી બેક્ટેરિયા અને વાયરસને મારી શકવા માટે છે સક્ષમ
- સૂર્ય તાપ સાથે આ ફેસ માસ્ક સંપર્કમાં આવતા વાયરસનો બોલી જશે ખાતમો
લોસ એન્જલસ: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે અને વેક્સીન ના આવે ત્યાં સુધી માસ્ક ખૂબજ ઉપયોગી છે. આ જ દિશામાં હવે કેલિફોર્નિયાની યુનિવર્સિટીના સંશોધકોએ કોટન મટીરિયલમાંથી એક એવું માસ્ક વિકસાવ્યું છે, જે 99.9 ટકા સુધી બેક્ટેરિયા અને વાયરસને મારી શકવા માટે સક્ષમ છે. સૂર્યના તાપ સાથે આ ફેસ માસ્કનો સંપર્ક થશે કે મોટા ભાગના વાયરસનો ખાતમો બોલી જશે એવો દાવો સંશોધકોએ કર્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, સંશોધકોએ કોટન મટીરિયલમાંથી એક માસ્ક વિકસાવ્યું છે, જે 99.9 ટકા સુધી વાયરસથી બચાવશે. એસીએસ અપ્લાઇડ મટીરિયલ એન્ડ ઇન્ટરફેસિસ જર્નલમાં પ્રસિદ્વ થયેલા અહેવાલમાં દાવો થયો હતો કે આ માસ્ક ફરીથી ઉપયોગમાં લઇ શકાશે. તેને ફેંકવું નહીં પડે. જ્યાં સુધી ટકશે ત્યાં સુધી ઉપયોગમાં આવી શકશે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા નિર્મિત આ માસ્કની વિશેષતા એ છે કે તે સૂર્યપ્રકાશના એક કલાક સુધી સંપર્કમાં રહેશે તેમાંથી ખાસ પ્રકારને રીએક્વિટ ઓક્સીજન સ્પીસીસ એટલે કે આરઓસી નીકળશે. તેના કારણે માસ્ક બહારની તરફ રહેલા બેકેટેરિયા અને વાયરસ નાશ પામશે.
આ માસ્ક અત્યારે કોટનના જે માસ્ક મળે છે તેના જેવા જ હશે. તેને ધોઈ શકાશે અને ફરીથી ઉપયોગમાં લઈ શકાશે. ફરક માત્ર એટલો હશે કે તેના કોટન મટિરિયલમાં થોડો તફાવત હોવાથી તે વધારે અસરકારક સાબિત થશે.
નોંધનીય છે કે મેડિકલ ટ્રાયલ દરમિયાન આ માસ્ક 99.9 ટકા અસરકારક સાબિત થયાનું જર્નલમાં પ્રસિદ્વ થયેલા અહેવાલમાં કહેવાયું હતું. અગાઉ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ સાબિત કર્યું હતું કે અત્યારે જે કપડાંના માસ્ક વપરાય છે તે વાયરસ અને બેક્ટેરિયાથી બચાવે છે.
(સંકેત)