Site icon Revoi.in

ઇઝરાયલના પીએમ બેંજામિન નેત્યનાહૂના વિરોધમાં હજારો લોકોએ કર્યો દેખાવો, રાજીનામાની કરી માગ

Social Share

જેરુસલેમ: ઇઝરાયલમાં વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો છે. ઇઝરાયલમાં હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ બેંજામિન નેત્યનાહૂના રાજીનામાની માંગ કરી છે. બેંજામિન નેત્યનાહૂ પર કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ છે. પ્રદર્શનકારીઓનો એવો પણ આરોપ છે કે  નેત્યનાહૂ કોરોના વાયરસ સંકટનો યોગ્ય રીતે સામનો નથી કરી શક્યા. પ્રદર્શનકારીઓએ હાથમાં કાયદાની નજરમાં બધા સમાન લખેલા પોસ્ટર લઇને હોબાળો મચાવ્યો હતો. વડાપ્રધાન કાર્યાલય નજીક આ દેખાવો કરવામાં આવ્યો હતો.

આપને જણાવી દઇએ કે ઇઝરાયલમાં છેલ્લા ઘણા મહિનાથી વડાપ્રધાન નેત્યનાહૂ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. નેત્યનાહૂ ઉપર ભ્રષ્ટાચાર, કૌંભાડ તેમજ વિશ્વાસઘાતના આરોપો લાગેલા છે. આ તમામ આરોપો સહકર્મીઓ તેમજ અબજોપતિ મિત્રો સાથે જોડાયેલા છે. જો કે વડાપ્રધાન નેત્યનાહૂએ આ તમામ આરોપો નકારી કાઢ્યા છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા નેત્યનાહૂ દેશનું સંચાલન બરાબર નહીં કરી શકે.

ઇઝરાયલની અંદર માત્ર બે વર્ષની અંદર ચાર વખત ચૂંટણી યોજાઇ છે. આ એક પ્રકારે નેત્યનાહૂ સામે બીજો જનમત સંગ્રહ હશે, જેમાં તેમણે પોતાની પાર્ટીની અંદર પણ પડકારોનો સામનો કરવો પડશે. પ્રદર્શકારીઓના મતે નેત્યનાહૂ અને તેમની સરકાર કોરોના મહામારી સામેની લડાઇમાં પણ નિષ્ફળ નિવડી છે.

નોંધનીય છે કે ગત વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે ઇઝરાયલનું અર્થતંત્ર પ્રભાવિત થયું છે. જો કે નેત્યનાહૂ અને તેમના સહયોગીઓ કોરોના વેક્સીનેશન પ્રોગ્રામનો ઉપયોગ વિરોધીઓને જવાબ આપવાના રૂપમાં કરી રહ્યા છે.

(સંકેત)