વરવી વાસ્તવિકતા: અફઘાનિસ્તાનમાં ભૂખમરાનું તોળાતું સંકટ, લોકો વેચી રહ્યાં છે બાળકો
- અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો દુકાળથી પ્રભાવિત
- અફઘાનિસ્તાનમાં 50 ટકા કરતા પણ વધારે વસ્તી પર ભૂખમરાનો તોળાતું સંકટ
- દેશના ઘણા હિસ્સામાં પહેલા જ આ સ્થિતિ સર્જાઇ ચૂકી
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાને કબ્જો જમાવ્યો છે ત્યારથી ત્યાંના લોકોની હાલત અત્યંત દયનીય છે. તાલિબાન ત્યાં ડર અને દહેશત ફેલાવી રહ્યું છે, લોકો પર રોફ જમાવી રહ્યું છે અને ત્યાં હવે બેંકોમાં પણ રોકડની અછત સર્જાઇ છે. ત્યાં દુકાળની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
અફઘાનિસ્તાનમાં 50 ટકા કરતા વધારે વસ્તી નવેમ્બર મહિનાથી ભૂખમરાની ઝપેટમાં આવે તેવી ચેતવણી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે આપી છે. દેશના ઘણા હિસ્સામાં પહેલા જ આ સ્થિતિ સર્જાઇ ચૂકી છે. અફઘાનિસ્તાનમાં સ્થિતિ એટલી બેકાબૂ બની છે કે ત્યાં ગરીબ પરિવારો પોતાની દીકરીઓ વેચી રહ્યા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશિત થઇ રહ્યાં છે.
આવા જ એક કિસ્સા વિશે વાત કરીએ તો ફાહિમા નામની મહિલાને પોતાની આપવીતી જણાવી છે કે, મારા પતિએ 6 વર્ષ અને દોઢ વર્ષની મારી બે બાળકીઓને કોઇ સાથે લગ્ન કરાવવા માટે વેચી ચૂક્યા ચે. હું આ માટે ઘણી વખત રડી ચૂકી છું. મારા પતિએ મને કહ્યું હતું કે, જો આપણે દીકરીઓને ના વેચત તો આપણે મરી જાત. આપણી પાસે ખાવા માટે કશુ જ છે નહીં.
એક મીડિયા અહેવાલ અનુસાર, દંપતીએ પોતાની બંને પુત્રીઓને અનુક્રમે 3350 ડૉલર અને 2280 ડૉલરમાં વેચી છે.
પશ્ચિમ અફઘાનિસ્તાનમાં પણ એક મહિલાએ પોતાની દીકરીને 500 ડોલરમાં એટલા માટે વેચી છે કે, બીજા બાળકોના ખાવા માટે વ્યવસ્થા થઈ શકે છે. બાળકોના લગ્ન માટે બાળકીને ખરીદનારા વ્યક્તિએ દાવો કર્યો હતો કે, મારા પુત્ર માટે હું આ બાળકીનો ઉછેર કરવા માંગુ છું.
આપને જણાવી દઇએ કે પશ્વિમ અફઘાનિસ્તાનનો બદઘિસ દુકાળથી ભારે પ્રભાવિત છે. આ વર્ષે વરસાદ નહીં પડતા ફરી બાળકીઓને વેચવાના કિસ્સા વધ્યા છે. વર્ષ 2018માં પણ અહીંયા આ જ પ્રકારનો દુકાળ પડ્યો હતો.
અનેક લોકો તો ભૂખમરાથી ત્રસ્ત થઇને કેમ્પમાં પણ રહી રહ્યા છે જ્યાં તેઓ અનેક તકલીફોનો સામનો કરી રહ્યાં છે. અહીંયા ખરાબ અર્થતંત્રને કારણે બાળ વિવાહ પણ થઇ રહ્યાં છે.