- અમેરિકા હવે ડિજીટલ રીતે ભારતના પગલે ચાલ્યું
- અમેરિકાએ ચાઇનીઝ એપ્સ ટિકટોક અને વી ચેટ પર મૂક્યો પ્રતિબંધ
- અમેરિકાના આ પ્રતિબંધ બાદ બાઇટડાન્સ હવે કોર્ટના શરણે
અમેરિકા પણ હવે ભારતના પગલે ચાલ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દિવસોની મથામણ બાદ અંતે ટિકટોક પર પ્રતિબંધ મૂકી દીધો છે. અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આદેશમાં ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક અને વીચેટ ડાઉનલોડિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકામાં રવિવારથી જ ટિકટોક અને વી ચેટના ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ પાછળ અમેરિકાએ ચીન અમેરિકન નાગરિકોની ડેટા ચોરી કરતા હોવાનો હવાલો આપ્યો છે.
બીજી તરફ ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સ તેના અમેરિકાના કારોબારને માઇક્રોસોફ્ટ કે ઓરેકલને વેચવા માટે વાટાઘાટો કરી રહી હતી, અંતે ઓરેકલ સાથેની ચર્ચા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આ સોદાની પણ આગામી સપ્તાહે જાહેરાત થઇ શકે છે ત્યારે ટિકટોક પરનો પ્રતિબંધ આ મંત્રણા પર અસર કરી શકે છે.
આ પ્રતિબંધ બાદ ટિકટોક હવે કોર્ટના શરણે ગયું છે. ટિકટોકની બાઇટડાન્સ લિમિટેડે વોશિંગ્ટન ફેડરલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. કંપનીએ શુક્રવારે મોડી રાત્રે આ નિર્ણને પડકારતા કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ફરિયાદમાં કંપનીએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાને અસાધારણ અને અસામાન્ય ખતરાઓથી બચાવવાને બદલે ડોનાલ્ડ ટ્રમ્પે રાજકીય કારણોસર ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે.
(સંકેત)