Site icon Revoi.in

અમેરિકા: અલાસ્કામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, મહાસાગરમાં 2 મીટર ઊંચા મોજાં ઉછળ્યા

Social Share

અલાસ્કા: અમેરિકામાં વારંવાર કુદરતી હોનારતો સર્જાતી હોય છે ત્યારે હવે અમેરિકાના ઉત્તરમાં આવેલા રાજ્ય અલાસ્કામાં મંગળવારે સવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોગ્રાફ પર આ ભૂકંપની તીવ્રતા 7.5 રિક્ટર સ્કેલ પર આંકવામાં આવી હતી. આ ભૂકંપના પગલે પ્રશાંત મહાસાગરમાં સુનામી આવવાની ચેતવણી અપાઇ હતી. ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી કેટલાક સ્થળે સમુદ્રમાં દોઢથી બે મીટર ઊંચાં મોજાં ઊછળ્યા હતાં. જો કે પાછળથી આ ચેતવણીને એડવાઇઝરીમાં પરિવર્તિત કરવામાં આવી હતી.

અમેરિકા સ્થિત નેશનલ ઓશિએનિક એન્ડ એટમોસ્ફિયરીક એડમિનિસ્ટ્રેશન (NOAA) અનુસાર આ ધરતીકંપનું કેન્દ્ર ધરતીથી 41 કિલોમીટર ઊંડે અને સેન્ડ પોઇન્ટ શહેરથી 94 કિલોમીટર દૂર હતું. ધરતીકંપના આંચકાની તીવ્રતા વધુ હતી. કેન્ડરી એન્ટ્રન્સથી યુનિમૈક પાસે સુનામી ત્રાટકવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. અલાસ્કાના ભૂકંપ કેન્દ્રે જણાવ્યા મુજબ પહેલા બે આંચકા આવ્યા હતા. એ પછી વધુ બે આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપ બાદ નેશનલ વેધર સર્વિસે લોકોને ચેતવણી પણ આપી હતી કે દરિયામાં શક્તિશાળી અને પ્રચંડ મોજાં અને કરન્ટ હશે માટે કિનારાવર્તી વિસ્તારોમાં રહેતા લોકો સાવધ અને સચેત રહે.

(સંકેત)