- પ્રથમવાર અમેરિકા અને ચીનના યુદ્વ જહાજો સાઉથ ચાઇના સીમાં આવ્યા સામસામે
- ચીને પોતાનું વિમાનવાહક જહાજ લિઆઓનિંગ પ્રથમવાર પાણીમાં ઉતાર્યું છે
- બીજી તરફ અમેરિકી નૌકા કાફલામાં USS થિઓડોર રૂઝવેલ્ટ નામનું કદાવર યુદ્વજહાજ પણ પાણીમાં ઉતર્યું છે
નવી દિલ્હી: લગભગ આ પ્રથમવાર બન્યું છે કે જ્યારે અમેરિકા તેમજ ચીનના કદાવર યુદ્વ જહાજો સાઉથ ચાઇના સી વિસ્તારમાં એકઠા થયા છે. ચીને પોતાનું વિમાનવાહક જહાજ લિઆઓનિંગ પ્રથમવાર પાણીમાં ઉતાર્યું છે. આ ચીનનું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર જહાજ છે. બીજી તરફ અમેરિકી નૌકા કાફલામાં USS થિઓડોર રૂઝવેલ્ટ નામનું કદાવર યુદ્વજહાજ અને અન્ય જહાજો સામેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે સોમવારે લશ્કરી કવાયત શરૂ થઇ છે. ચીની લશ્કરે ફિલિપાઇન્સના જળ વિસ્તારમાં વર્ચસ્વ જમાવ્યું છે. માટે ચીનને ધમકાવવા અમેરિકાએ આ પગલું ભર્યાનું જણાય છે. પરંતુ બન્ને દેશના યુદ્વ જહાજો નજદીકી વિસ્તારમાં આવવાથી પાણીમાં આગ લાગે તેવા સંજોગો પણ ઉપસ્થિત થયા છે.
અમેરિકી યુદ્ધજહાજ પર સંખ્યાબંધ ઘાતક બોમ્બર વિમાનો એફ-૩૫ પણ છે. હેલિકોપ્ટર અને લશ્કરી સામગ્રી તો ખરી જ. ચીને પોતાના જહાજનું લોકેશન જાહેર કર્યું ન હતું, પણ સેટેલાઈટ ઈમેજમાં બન્ને જહાજો દેખાઈ રહ્યા છે. એત્યારે તેઓ એકબીજાથી દૂર હોવા છતાં દરિયામાં તો નજીક કહી શકાય એટલા અંતરે જ છે.
લશ્કરી કવાયતનો હેતુ સાઉથ ચાઈના સીમાં જરૂર પડયે સંયુક્ત ઓપરેશન હાથ ધરવાની તૈયારી કરવાનો છે. સ્વાભાવિક છે બન્ને દેશો ચીનને ધ્યાનમાં રાખીને જ આ કવાયત કરી રહ્યા છે.
(સંકેત)