Site icon Revoi.in

H-1B વિઝાધારકો માટે રાહતના સમાચાર, ટ્રમ્પના પ્રતિબંધ સામે અમેરિકન કોર્ટનો સ્ટે

Social Share

વૉશિંગ્ટન:  H-1બી વિઝા ધારકો માટે એક રાહતના સમાચાર છે. હકીકતમાં ટ્રમ્પે એચ-1બી વિઝા પર પ્રતિબંધ મૂક્યો તેને કેલિફોર્નિયાની કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટે હવે ઐતિહાસિક ચુકાદો આપતા કોર્ટના નિર્ણય સામે સ્ટે મૂક્યો હતો. ન્યાયાધીશે ટ્રમ્પના નિર્ણયની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે પ્રમુખે બંધારણીય અધિકારોનો દૂરુપયોગ કર્યો છે. કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફ્રી વ્હાઇટે એચ-1બી વિઝાના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આપને જણાવી દઇએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂન 2020માં એચ-1બી વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

રાષ્ટ્રપતિના એ નિર્ણય સામે અમેરિકી ચેમ્બર ઑફ કોમર્સ, નેશનલ એસોસિએશન ઑફ મેન્યુફેક્ચરર, નેશનલ રીટેઇલ ફેડરેશન, ટેકનેટ, ઇન્ટ્રેકસ જેવા સંગઠનો અને કંપનીઓએ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પનો આ નિર્ણય કંપનીઓને અને ઉત્પાદકોને મળતી બંધારણીય સ્વતંત્રતાની વિરુદ્વનો છે. જે કંપનીઓ નવીનીકરણ કરીને વિદેશના તેજસ્વી યુવાનોને નોકરી આપે છે તે અટકાવાવનો સરકારનો ઇરાદો છે, જે યોગ્ય નથી.

એ અરજીના સંદર્ભમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ન્યાયધીશ જેફ્રી વ્હાઈટે ટ્રમ્પના નિર્ણયને અયોગ્ય અને ગેરબંધારણીય ગણાવ્યો હતો. ન્યાયધીશે નિરીક્ષણ રજૂ કરતા કહ્યું હતું કે એચ-1બી વિઝા રદ્ કરવાનો નિર્ણય કર્યો એ વખતે પ્રમુખે બંધારણીય અિધકારોનું ઉલ્લંઘન કર્યું હતું. ટ્રમ્પે એચ-1બી વિઝા પર પ્રતિબંધ મૂક્યો તેના પર હવે સ્ટે લાગી ગયો છે. કોર્ટે ટ્રમ્પના નિર્ણય સામે સ્ટે આપ્યો હોવાથી અસંખ્ય ભારતીય આઈટી નિષ્ણાતોને રાહત થશે.

નોંધનીય છે કે ટ્રમ્પે જ્યારે જૂન-2020માં એચ-1બી વિઝા પર પ્રતિબંધ મૂક્યો ત્યારે એવો તર્ક રજૂ કર્યો હતો કે સ્થાનિક સ્તરે નોકરીઓનું સર્જન કરવાનું હોવાથી વિદેશી યુવાનોને નોકરી આપવી યોગ્ય નથી. સ્થાનિક સ્તરે નોકરી બચાવવાનું કારણ આગળ ધરીને ટ્રમ્પે અસંખ્ય વિદેશી યુવાનોનું અમેરિકા જઇને નોકરી કરવાનું સપનું રોળી નાખ્યું હતું.

(સંકેત)