- વર્ષ 2020માં કોરોના મહામારીથી અમેરિકાનું અર્થતંત્ર સૌથી વધુ પ્રભાવિત
- અમેરિકાના અર્થતંત્રમાં બીજા વિશ્વ યુદ્વ બાદ સૌથી વધુ ઘટાડો
- વર્ષ 2020માં અમેરિકાના જીડીપીમાં 3.50 ટકાનો ઘટાડો નોંધાયો
વોશિંગ્ટન: વર્ષ 2020 વિશ્વના મોટા ભાગના અર્થતંત્ર માટે પડકારજનક અને નિરાશાજનક રહેવા પામ્યું છે. મોટા ભાગના અર્થતંત્રને મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને અમેરિકાનું અર્થતંત્ર વિશેષ રીતે પ્રભાવિત થયું છે. અમેરિકાના અર્થતંત્રમાં બીજા વિશ્વ યુદ્વ બાદ સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાને કારણે સેવા ક્ષેત્રના વેપાર જેમ કે હોટેલ્સ તેમજ વિમાની સેવા પર ગંભીર અસર પડતા લાખો લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2020માં અમેરિકાના જીડીપીમાં 3.50 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે વર્ષ 1946 બાદ સૌથી નબળો દેખાવ છે એમ અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા જણાવે છે. બેન્ચમાર્ક વ્યાજદર લાંબા સમયથી શૂન્યથી નજીક હોવા છતાં આ ઘટાડો જોવા મળ્યો છે.
વિભાગ દ્વારા વર્ષ 2020ના ચોથા ત્રિમાસિક ગાળા માટે જાહેર કરાયેલા આંકડા પણ અમેરિકામાં રિકવરી મંદ પડી હોવાનું સૂચવે છે. કોરોનાના કેસ ફરી વધતા આર્થિક વિકાસ પર વિપરીત અસર જોવા મળી છે.
વર્ષ 2019ની વાત કરીએ તો વર્ષ 2019માં અમેરિકાનો આર્થિક વિકાસ દર 2.20 ટકા રહ્યો હતો. અમેરિકામાં કોરોના વાયરસની મહામારી હજુ નિયંત્રણમાં આવી નહીં હોવાથી વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં પણ વિકાસ દર મંદ રહેવાની ધારણાં મુકાઇ રહી છે.
(સંકેત)