Site icon Revoi.in

આ દેશે પાકિસ્તાન પાસે અબજો રૂપિયા પાછા માંગતા પાકિસ્તાનને છૂટી ગયો પરસેવો

Social Share

નવી દિલ્હી: કંગાળ પાકિસ્તાનની હાલત વધુને વધુ દર્દનાક અને કફોડી બની રહી છે. UAEએ હવે પોતાના એક અબજ ડોલર પાછા માંગતા પાકિસ્તાનનો પરસેવો છૂટી ગયો છે. આ માટે પાકિસ્તાનને UAEએ 12 માર્ચ સુધીનો સમય આપ્યો હતો.

સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાન પાસે પોતાના એક અબજ ડોલર તાત્કાલિક પાછા માંગ્યા છે. અચાનક આટલી મોટી રકમ આપવાની થતાં પાકિસ્તાનની સરકારની પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. પાકિસ્તાની ચલણ અનુસાર આ રકમ અંદાજે 15,720 કરોડ પાકિસ્તાની રૂપિયા જેટલી થાય છે. જો આટલી રકમ એકસાથે આપવાની થાય તો પાકિસ્તાનના અર્થતંત્ર પર તેની ખૂબ માઠી અસર થવાની સંભાવના છે.

પાકિસ્તાન સરકારના ઉપરી અધિકારીઓ દ્વારા UAEના યૂવરાજનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની સરકાર આજીજી કરીને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે કે આટલી મોટી રકમ અચાનક પાછી આપવાની થતાં તેઓની આર્થિક સ્થિતિ ખરાબ થઇ જશે.

નોંધનીય છે કે પાકિસ્તાન પહેલાથી જ દેવાના બોજ હેઠળ દબાઇ ચૂક્યું છે અને અત્યંત દેવાગ્રસ્ત થઇ ચૂક્યું છે. તેને પૈસા માટે અવારનવાર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેવી સંસ્થાઓ પાસે જવાનો વારો આવે છે.

તાજેતરમાં જ ઈમરાન ખાન પોતે પાકિસ્તાનની સંસદમાં કબૂલાત કરી ચૂક્યા છે કે પાકિસ્તાનનાં દરેક નાગરિક ઉપર 1 લાખ 75 હજાર રૂપિયા દેવું છે. ઈમરાન ખાનની સરકાર આવ્યા પહેલા એ 1 લાખ 20 હજાર રૂપિયા પ્રતિ નાગરિક હતું, જેમાં 54,901 રૂપિયાનો વધારો થયો હતો.

(સંકેત)