Site icon Revoi.in

હિન્દુઓ, શીખો, બૌદ્વો વિરુદ્વ હિંસા પર અવાજ ઉઠાવવામાં UNGC નિષ્ફળ: ભારત

Social Share

સંયુક્ત રાષ્ટ્ર: ભારતે ધર્મો વિરુદ્વ હિંસાની ટીકા કરવામાં સંયુક્ત રાષ્ટ્રના વલણની નિંદા કરતા કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બૌદ્વો, હિન્દુઓ અને શીખો વિરુદ્વ વધતી નફરત અને હિંસાને ઓળખવામાં નિષ્ફળ રહી છે. ભારતે એ પણ રેખાંકિત કર્યું છે શાંતિની સંસ્કૃતિ માત્ર ઇબ્રાહીમી ધર્મો માટે ન હોઇ શકે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ આશીષ શર્માએ શાંતિની સંસ્કૃતિ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધન કરતા કહ્યું કે આજની દુનિયામાં ચિંતાજનક ચલણ જોવા મળ્યું છે. ભારત એ વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છે કે યહૂદી, ઇસ્લામ અને ઇસાઇ વિરોધી કૃત્યની નિંદા કરવી જરૂરી છે. દેશ પણ આ પ્રકારના કૃત્યોની આકરી ટીકા કરે છે, પરંતુ આ પ્રકારના સંવેદનશીલ મામલાઓ પર સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ ફક્ત આ ત્રણ ઇબ્રાહીમી ધર્મો અંગે જ વાત કરે છે.

શર્માએ વધુમાં ઉમેર્યું હતું કે આ ગરિમામયી સંસ્થા હિંદુ, શીખ અને બૌદ્વ ધર્મોના અનુયાયીઓ વિરુદ્વ વધતી નફરત અને હિંસાને ઓળખવામાં નિષ્ફળ રહી છે. શાંતિની સંસ્કૃતિ ફક્ત ઇબ્રાહીમી ધર્મો માટે ન હોઇ શકે, અને જ્યાં સુધી આવો સિલેક્ટેડ વલણ યથાવત્ છે, વિશ્વમાં શાંતિની સંસ્કૃતિ વાસ્તવિક રીતે ફેલાઇ શકે નહીં.

તેમણે સંબોધનમાં વધુ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર એક એવી સંસ્થા છે, જેણે ધર્મના મામલે કોઇનો પક્ષ લેવો જોઇએ નહીં. જો આપણે હકીકતમાં સિલેક્ટેડ વલણ અપનાવીએ, તો વિશ્વ અમેરિકી રાજનીતિક શાસ્ત્રી સેમ્યુઅલ હટિંગટનના સભ્યતાના ટકરાવના સિદ્વાંતને સાબિત કરી દેશે.

તે ઉપરાંત શર્માએ અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા બામિયાન બુદ્વની પ્રતિમા તોડવા પર, માર્ચમાં યુદ્વ ગ્રસ્ત દેશમાં ગુરુદ્વારા પર બોમ્બવર્ષા કરવા પર, હિંદુ અને બૌદ્વ ધર્મના મંદિરોને નુકસાન પહોંચાડવા પર તેમજ અનેક દેશોમાં લઘુમતીઓના લોકોનો નસ્લી સફાયોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

(સંકેત)