Site icon Revoi.in

કોરોનાની મહામારી વચ્ચે અનલોકની ઉતાવળ વિશ્વ માટે વિનાશકારી સાબિત થશે: WHO

Social Share

એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ અનેક દેશોમાં લોકડાઉન ઝડપથી ખુલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનલોકને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે અનલોકની ઝડપી પ્રક્રિયાને દુનિયા માટે વિનાશકારી સાબિત થવાની ચેતવણી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબેયસેસે કહ્યું કે, જે દેશ લોકડાઉન ખોલવા માટે ગંભીર છે, તેમણે કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે ગંભીરતા દાખવવી પડશે. કોરોના સંક્રમણ પર નિયંત્રણ અને અનલોક પ્રક્રિયા બંને એકસાથે અસંભવ છે.

ટેડ્રોસે દેશોને કોરોના સંક્રમણથી બચવા માટે દેશો, સમાજ અને લોકોને ચાર મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે કહ્યું હતું. જેમાં મોટા કાર્યક્રમોના આયોજનથી બચવું, સૌથી અસુરક્ષિત લોકોની કાળજી રાખવી,પોતાની રક્ષા અને સંક્રમિતોની શોધ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેશનમાં મોકલવાની પ્રક્રિયા, તપાસ કરવી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે, નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, 90 ટકા દેશોમાં કોરોના મહામારીને લીધે સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રભાવિત થઇ છે. વિશ્વના 105 દેશોમાં કોરોનાની મહામારીની સાચી સ્થિતિનો તાગ મેળવવા માટે આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

(સંકેત)