- અમેરિકામાં કામ કરતા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે ખુશખબર
- અમેરિકાની કોર્ટે ટ્રમ્પ પ્રશાસનના H-1B વિઝા કાર્યક્રમમાં ફેરફારને ફગાવ્યા
- હવે ભારતીય પ્રોફેશનલ્સ ત્યાં પહેલાની જેમ કામ કરી શકશે
વોશિંગ્ટન: અમેરિકામાં કામ કરતા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે એક રાહતના સમાચાર છે. ઑક્ટોબરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝા કાર્યક્રમમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. આ બાદ હવે ભારતીય પ્રોફેશનલ્સ હવે અમેરિકામાં પહેલાની જેમ જ કામ કરી શકશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઇટે ટ્રમ્પના આદેશને રદ કર્યો હતો અને કહ્યું હતું કે સરકારે આ નિર્ણય લેતા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાનું પાલન કર્યું નથી. સરકાર દ્વારા કોરોના મહામારીને લીધે લોકોની ગયેલી નોકરીઓના કારણે નિર્ણય લેવાયો તે દલીલ પાયાવિહોણી અને ખોટી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, કોરોના સંક્રમણ બાદ આ વર્ષે ઑક્ટોબરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય પાછળ ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે કોરોનાના કારણે અનેક અમેરિકનોની નોકરી ગઇ તો બહારથી આવનારા લોકોને રોકીને સ્થાનિક લોકોને તે નોકરીઓ આપી શકાય છે. આ હેતુથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરતી કંપનીઓ પર અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા. નવા નિયમો એટલા કડક હતા કે અંદાજે એક તૃતિયાંશ અરજીધારકોને H-1B વિઝા મળી શકે એમ ન હતા. જો કે હવે સત્તા બદલાયા બાદ ટ્રમ્પનો આદેશ પણ બદલાઇ ગયો છે.
આપને જણાવી દઇએ કે અમેરિકી સરકાર દર વર્ષે બહારથી આવતા તમામ ક્ષેત્રોમાં કામ કરતા પ્રોફેશનલ્સ માટે 85 હજાર H-1B વિઝા બહાર પાડે છે. જેમાં IT પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ છે. અમેરિકામાં હાલ અંદાજે 6 લાખ H-1B વિઝાધારકો કામ કરી રહ્યા છે. જેમાંથી મોટા ભાગના ભારતના છે અને બીજા નંબરે ચીનના કામદારો છે.
(સંકેત)