- અમેરિકા-રશિયાનો મેડિકલ સપ્લાયનો જથ્થો આજે ભારત પહોંચશે
- અમેરિકા અને રશિયા ઉપરાંત અનેક દેશો હાલ ભારતની વહારે
- અમેરિકાએ 10 કરોડ ડોલરની મેડિકલ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો
નવી દિલ્હી: કોરોના મહામારીથી ભારતને ઉગારવા માટે વિશ્વના અનેક દેશોએ ભારત માટે મદદનો હાથ લંબાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રશિયા મેડિકલ સપ્લાયથી ભરેલા 2 ટ્રાન્સપોર્ટ પ્લેન ભારત મોકલી રહ્યું છે. જેમાં ઓક્સિજનને સ્ટોર કરનારા કન્સેન્ટ્રેટર, વેન્ટિલેટર, 22 ટન મેડિકલ સપ્લાય સામેલ છે. આ પ્લેન આજે ભારત પહોંચી જશે. મોટા ભાગના દેશો ભારતની પડખે આવ્યા છે.
સૂત્રો અનુસાર ભારતનો પ્રયાસ ઓક્સિજન ઉત્પાદક સંયંત્ર, ઓક્સિજન કન્સેટ્રેટર તેમજ નાના મોટા ઓક્સિજન સિલિન્ડરોની ખરીદી પર છે. આનું કારણ એ છે કે વિભિન્ન સંયંત્રોથી ઓક્સિજન હોસ્પિટલ તેમજ ભારત પહોંચાડવામાં મુશ્કેલી આવી રહી છે.
ભારત અમેરિકા તેમજ બીજા દેશોમાં રેમડેસિવિર, ટોસિલિજુમેબ તેમજ ફેવીપિરાવીર જેવી મહત્વની દવા ખરીદવાનું પ્રયાસ કરી રહ્યું છે. ભારતે અમેરિકામાં બનેલી કોરોના વેક્સિન તેમજ તેના કાચા માલની માંગ કરી છે. અમેરિકાએ 10 કરોડ ડોલરની મેડિકલ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાથી મેડિકલ સપ્લાય લઇને વિમાન રવાના થઇ ગયું છે. વિમાન ગુરુવારે અહીંયા પહોંચવાની શક્યતા છે. આ દોર આગામી સપ્તાહ સુધી ચાલુ રહેશે.
વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર આ સપ્લાયમાં 1 હજાર ઑક્સિજન સિલિન્ડર, 1.5 કરોડ N 95 માસ્ક અને 1 કરોડ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ સામેલ છે. આ ઉપરાંત ભારતની ડિમાન્ડ પર એસ્ટ્રાજેનેકાનો ઓર્ડર પણ અમેરિકા પૂરો કરશે.
કોરોના સંકટકાળમાં આ દેશો પણ ભારતની સાથે
કોરોનાના આ સંકટકાળમાં અમેરિકા ઉપરાંત રશિયા, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્સમબર્ગ, સિંગાપુર, પોર્ટુગલ, સ્વીડન, ન્યૂઝીલેન્ડ, કુવૈત અને મોરેશિયસ સહિતના પ્રમુખ દેશોએ ભારતની મદદ માટે આશ્વાન આપ્યું છે.
નોંધનીય છે કે, સિંગાપોરે મંગળવારે ભારતને 256 ઓક્સિજન સિલિન્ડર આપ્યા હતા. નોર્વે સરકારે ભારતના પીડિતોને મેડિકલ સેવા માટે 24 લાખ US ડૉલર આપવાનું એલાન કર્યું છે. સ્વિત્ઝરલેન્ડ પણ બુધવારે કહ્યું કે તે ભારતને ઓક્સિજન કન્સેટ્રેટર, વેન્ટિલેટર અને અન્ય ઉપકરણ મોકલશે. ભારત સાઉદી અરબ, સિંગાપુર, સંયુક્ત અરબ અમીરાત સહિત અનેક દેશોમાંથી મેડિકલ ઉપકરણોની વ્યાવસાયિક ખરીદી કરી રહ્યુ છે.
(સંકેત)