- તાલિબાનોના અફઘાનિસ્તાનમાં વધતા વર્ચસ્વથી અમેરિકા ચિંતિત
- હવે કાબુલને પણ દેશના બીજા હિસ્સામાંથી તાલિબાન છુટ્ટુ પાડી દે તેવી દહેશત
- કાબુલની સપ્લાય લાઇન તાલિબાનના આતંકીઓ કાપી શકે છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ હવે તાલિબાનીઓ ત્યાં પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં કબ્જો જમાવી રહ્યા છે. તાલિબાનોના વધતા આતંકથી હવે અમેરિકા ફરીથી ચિંતિત છે.
અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે અફઘાનિસ્તાનમાં આગળ વધી રહેલું તાલિબાન કાબુલને દેશના અન્ય વિસ્તારોથી છુટ્ટુ પાડી શકે છે.
અમેરિકાના મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં તો તાલિબાન પાસે એટલા સંસાધનો નથી કે તે કાબુલ પર જીત મેળવી શકે. ખાસ કરીને જો તાલિબાન કાબુલ પર આક્રમણ કરશે તો તેને અમેરિકાના હવાઇ હુમલાનો ડર રહેશે. પરંતુ કાબુલની સપ્લાય લાઇન તાલિબાનના આતંકીઓ કાપી શકે છે.
આ બાબતનો અંદાજ અફઘાનિસ્તાન સરકારને પણ છે અને તેના કારણે બોર્ડર ક્રોસિંગ ખુલ્લા રહે અને સપ્લાય આવી શકે તે માટે સૈન્યની વિશેષ ટુકડીઓ બનાવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, ગયા અઠવાડિયે તાલિબાન આતંકીઓએ અફઘાનિસ્તાન સુરક્ષા દળોના વાહનો, ટ્રક, તોપો, મોર્ટાર, એન્ટી એરક્રાફ્ટ ગન પર કબ્જો જમાવ્યો છે અને જો તેમને પેટ્રોલ ડિઝલ મળી ગયુ તો તે આ હથિયારોનો ઉપયોગ જંગમાં કરી શકે છે.