- તાલિબાન પર ઓળઘોળ થયું અમેરિકા
- હવે કહ્યું તાલિબાનનું વલણ લચીલુ છે
- તાલિબાન અમેરિકાની મદદ કરી રહ્યું છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર 9 સપ્ટેમ્બરથી હવે વિદેશી ફ્લાઇટ્સ પૂર્વવત થઇ ચૂકી છે. કતાર એરવેઝનું એક પ્લેન કાબુલ એરપોર્ટ પહોંચ્યું અને ત્યાંથી અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકી નાગરિકોને લઇને નીકળી ગયું. અમેરિકા અનુસાર અત્યારસુધીમાં અમેરિકી સરકાર અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના 6 હજારથી વધુ અમેરિકનોને બહાર કાઢી ચૂકી છે.
જો કે આ બધા વચ્ચે અમેરિકાનું એક વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. જેણે સૌને ચોંકાવી દીધા છે. કતાર એરવેઝની મદદથી અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી એરલિફ્ટ કરવા પર અમેરિકી સરકારે કહ્યું છે કે, અફઘાનિસ્તાન પર બંદૂકના દમ પર કબ્જો જમાવનારા તાલિબાનનું વલણ એક વેપારી અને વ્યવસાયી પ્રકારે છે જે ખૂબ જ સકારાત્મક પગલું છે. તાલિબાનનું વલણ લચીલું છે અને તે અમેરિકાની મદદ કરી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે 30 અને 31 ઓગસ્ટની મધ્યરાત્રિના રોજ અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસી બાદ કાબુલ એરપોર્ટ બંધ થયું હતું. જેને કતારની ટેકનિકલ મદદ બાદ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. પંજશીર પ્રાંતમાં તાલિબાન પર જાતીય નરસંહારનો આરોપ લાગી રહ્યો છે અને બીજી તરફ અમેરિકા અધિકૃત રીતે તાલિબાનને સહયોગી અને વેપારી ગણાવી રહ્યું છે.
અહમદ મસૂદના નેતૃત્વવાળા નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (NRF) ના વિદેશી મામલાના પ્રમુખ અલી મેસમ નાઝરીના જણાવ્યાં મુજબ તાલિબાની આક્રમણના કારણે અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકો પંજશીર ઘાટીમાંથી પલાયન કરી ચૂક્યા છે. હાલ આખી દુનિયા આ નરસંહારને જોઈને પણ ચૂપ છે.