Site icon Revoi.in

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ કોવિડ-19 પોઝિટિવ, થયા ક્વૉરન્ટીન

Social Share

વોશિંગ્ટન:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુએસના પ્રથમ મહિલા એટલે કે ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ બંને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ બંને હાલમાં ક્વૉરન્ટીન થઇ ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ ટ્વીટરના માધ્યમથી આ જાણકારી આપી હતી. આ પહેલા તેમના એક નજીકના સલાહકાર હોપ હિક્સનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોપ હિક્સ કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પ દંપત્તિએ ગુરુવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું કે, “મોડી રાત્રે થયેલા ટેસ્ટમાં હું અમે ફર્સ્ટ લેડી પોઝિટિવ આવ્યા છીએ. અમે બહુ ઝડપથી અમારી ક્વૉરન્ટીન અને રિકવરી પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. અમે સાથે મળીને કોરોના સામે લડીશું.”

આ પહેલા ટ્રમ્પે ગુરુવારે મોડી રાત્રે એવી ટ્વીટ કરી હતી કે તેઓ અને મેલાનિયા ટ્રમ્પ ક્વૉરન્ટીન થઇ રહ્યા છીએ, કારણ કે મારા એક સલાહકાર પોઝિટિવ આવ્યા છે.

હોપ હિક્સ અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ લખ્યું કે હોપ હિક્સ, જે વિરામ લીધા વગર સતત મહેનત કરી રહ્યા છે, તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે ભયાનક અને દુ:ખદ છે. પ્રથમ મહિલા અને હું કોરોના ટેસ્ટના પરિણામની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. આ દરમિયાન અમે ક્વૉરન્ટીન રહીશું.

(સંકેત)