Site icon Revoi.in

ટ્રમ્પને મોટી રાહત, મહાભિયોગની પ્રક્રિયામાં ફરી એક વખત નિર્દોષ ઠર્યા

Social Share

વોશિંગ્ટન: અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને મોટી રાહત મળી છે. ટ્રમ્પ તેમની સામેના મહાભિયોગના કેસમાં ફરી એક વખત નિર્દોષ ઠર્યા છે. અમેરિકન સેનેટે 6 જાન્યુઆરીએ સંસદમાં હિંસા ઉશ્કેરવાના આરોપમાં ડોનાલ્ડ ટ્રમ્પને નિર્દોષ છોડી મૂક્યા છે. સેનેટમાં ચાર દિવસની મહાભિયોગની ટ્રાયલ પછી પાંચમાં દિવસે વોટિંગ થયું અને આ દરમિયાન 57 સેનેટરોએ ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠેરવ્યા જ્યારે 43 સેનેટરોએ તેમને દોષિત ગણાવ્યા નહોતા. સેનેટમાં ટ્રમ્પને દોષિત ઠેરવવા માટે બે તૃત્યાંશ બહુમતી હાંસલ થઇ શકી નહીં.

આપને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસના એવા પ્રથમ પ્રમુખ છે, જેમણે બે વખત મહાભિયોગનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં તેઓ પ્રમુખપદેથી હટી ગયા પછી મહાભિયોગની ટ્રાયલનો સામનો કરનારા પ્રથમ અમેરિકન પ્રમુખ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 100 સભ્યોની સેનેટમાં ટ્રમ્પને દોષિત ઠેરવવા માટે બે તૃતિયાંશ બહુમતી મતદાન એટલે કે 67 વોટની જરૂર હતી, પરંતુ ટ્રમ્પના વિરોધમાં 57 મત જ પડ્યા હતા. પરિણામે વોટ ઓછા હોવાથી ટ્રમ્પને નિર્દોષ છોડી મૂકાયા હતા. ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહીમાં બિલ કેસિડી, રિચર્ડ બર્ર, મીટ રોમની અને સુસાન કોલિન્સ સહિત 7 રીપબ્લિકન સેનેટરોએ ટ્રમ્પ વિરુદ્વ મહાભિયોગ ચલાવવાની તરફેણ કરી હતી.

અગાઉ 2019માં પણ સેનેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ડિસેમ્બર 2019માં પણ પ્રતિનિધિ સભાએ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્વ મહાભિયોગના આરોપો પાસ કર્યા હતા. પરંતુ રિપબ્લિકન પાર્ટીના નિયંત્રણવાળી સેનેટે ફેબ્રુઆરી 2020માં પણ ટ્રમ્પને આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા. તે સમયે ટ્રમ્પ પર યુક્રેનના પ્રમુખ પર બાઇડેન અને તેમના પુત્ર વિરુદ્વ કથિત ભ્રષ્ટાચારના દાવાઓની તપાસ કરાવવાનું દબાણ કરવાનો આરોપ હતો.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ તેમની સામેની મહાભિયોગ કાર્યવાહીમાંથી બચી ગયા પછી વર્તમાન પ્રમુખ જો બાઈડને કહ્યું કે સેનેટ દ્વારા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંસદ ભવનમાં છ જાન્યુઆરીએ થયેલી હિંસાના કેસમાં નિર્દોષ છોડી મુકવા એ યાદ અપાવે છે કે લોકતંત્ર નાજુક હોય છે અને સત્યનું રક્ષણ કરવું દરેક અમેરિકન નાગરિકની જવાબદારી છે.

(સંકેત)