- રશિયાએ એન્ટી સેટેલાઇટ મિસાઇલનું પરિક્ષણ કર્યું
- અંતરિક્ષમાં તેના જ એક જૂના સેટેલાઇટને ફૂંકી માર્યો
- તેના ટુકડાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જોખમ
નવી દિલ્હી: અત્યારે લગભગ મોટા ભાગના દેશો પોતાની અલગ અલગ ખાસિયતો ધરાવતી મિસાઇલોનું પરિક્ષણ કરી રહ્યાં છે. હવે રશિયાએ પણ એક મિસાઇલનું પરિક્ષણ કર્યું છે. આ મિસાઇલ અંતરિક્ષમાં રહેલા સેટેલાઇટનો ખાત્મો બોલાવવાની ક્ષમતા ધરાવે છે.
રશિયાએ મિસાઇલ ટેસ્ટ દરમિયાન પોતાના જ એક જૂના સેટેલાઇટને ફૂંકી માર્યો હતો. જેના લગભગ 1500 ટુકડા હવે અંતરિક્ષમાં વિખેરાયા હોવાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મુસીબતના એંધાણ છે. અહીંયા રોકાયેલા અંતરિક્ષ યાત્રીઓએ ગઇકાલે પોતાના ટ્રાન્સપોર્ટ સ્પેસક્રાફ્ટમાં આશરો લેવો પડ્યો છે.
રશિયાની આ કરતૂતથી અમેરિકા રોષે ભરાયું છે. જો કે રશિયાએ આ મિસાઇલનું ક્યારે પરિક્ષણ કર્યું તેની માહિતી નથી પરંતુ સોમવારે તેને લઇને પહેલી વાર જાણકારી સામે આવી હતી. જો કે રશિયાએ આ બાબતે હજુ ચુપકીદી સાધી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે, ફૂંકી મરાયેલા સેટેલાઇટના ટૂકડા અંતરિક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની નજીકથી પસાર થયા હતા.
રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે પણ આ વાતને સમર્થન આપ્યુ છે. હાલમાં સ્પેશ સ્ટેશનમાં રોકાયેલા નાસના અંતરિક્ષ યાત્રી માર્ક હેઈએ નાસાને કહ્યુ હતુ કે, આખો દિવસ ગાંડપણથી ભરેલો રહ્યો હતો.
અમેરિકાએ બીજી તરફ એવું નિવેદન આપ્યું છે કે, તેઓ સેટલાઇટના કાટમાળની તપાસ કરી રહ્યાં છે જો કે અમેરિકાએ રશિયા દ્વારા થયેલા એન્ટી મિસાઇલ પરિક્ષણથી કાટમાળનું જોખમ સર્જાયું છે તેવી સ્પષ્ટતા કરી નથી.