- ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ઉકેલવા પર ટ્રમ્પનું નિવેદન
- જો તેઓ ઉકેલ લાવવામાં મદદ કરી શકશે તો તેઓને થશે ખુશી
- તેઓએ ભારત-ચીન વિવાદનો ઉકેલ લાવવા સક્ષમ હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો
ભારત અને ચીન વચ્ચે સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી મધ્યસ્થી બનીને સમસ્યાનો ઉકેલ લાવવા ઇચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું કે જો તેઓ ભારત-ચીન વિવાદનો ઉકેલ લાવવામાં મદદ કરી શકશે તો તેમને ઘણી ખુશી થશે. તેઓ ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદને ઉકેલવા માટે સક્ષમ છે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું કે, મને ખબર છે કે હવે ચીન અને ભારતને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મને આશા છે કે તેઓ તેનો ઉકેલ શોધી શકશે. જો અમે મદદ કરી શકીએ તો અમે મદદ કરવાનું પસંદ કરીશું.
ભારતીય અને ચીની સૈન્ય કમાન્ડરોની વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર મહિનાઓથી ચાલતા ગતિરોધને ઉકેલવાના ઉદ્દેશથી ચાલી રહેલી મંત્રણા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણી સામે આવી છે.
મહત્વનું છે કે, ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરોની વચ્ચે છઠ્ઠા ચરણની મંત્રણા સોમવારે થઇ જેમાં બંને પક્ષોએ LAC પર સ્થિતિને સ્થિર કરવાના મુદ્દે પોતાના વિચારોનું આદાન પ્રદાન કર્યું. તેમાં બંને પક્ષ સરહદ પર વધુ સૈનિકો ન મોકલવા, પરસ્પર સંપર્ક મજબૂત કરવા અને ગેરસમજો તેમજ ખોટા નિર્ણયથી બચવા પર સહમત થયા હતા.
(સંકેત)