- ભારતમાં કોરોના સામે જંગ જીતવા વેક્સિનેશન જ મુખ્ય સમાધાન: ડૉ. ફાઉચી
- મહામારીનો સામનો કરવા માટે સ્થાનિક-આંતરરાષ્ટ્રીય સ્તર પર વેક્સિન ઉત્પાદન વધારવું આવશ્યક
- અન્ય દેશોએ ભારતને વેક્સિનેશન નિર્માણ માટે સહાયતા પ્રદાન કરવી જોઇએ
નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને બીજી તરફ સમગ્ર દેશમાં વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે. ભારતમાં કોરોના સામેની જંગમાં જીતવા માટે વેક્સિન એકમાત્ર લાંબા ગાળાનું સમાધાન છે તેવું અમેરિકાના ટોચના સ્વાસ્થ્ય તજજ્ઞ ડૉ. એન્થની ફાઉચીએ જણાવ્યું હતું. આ ઘાતક મહામારીનો સામનો કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર વેક્સિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂક્યો હતો.
આ મહામારીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વધારેમાં વધારે લોકોનું રસીકરણ થાય તે આવશ્યક છે. ભારત વિશ્વનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ છે. ભારતને તેના માટેના સંસાધન મળી રહ્યા છે. આ સમયમાં અન્ય દેશોએ ભારતને વેક્સિનેશન નિર્માણ માટે સહાયતા પ્રદાન કરવી જોઇએ અથવા તો વેક્સિન દાન આપવી જોઇએ.
ડૉ. ફાઉચીએ અસ્થાયી હોસ્પિટલના નિર્માણ પર ભાર મૂકતા કહ્યું કે, ભારતને તાત્કાલિક રીતે અસ્થાયી હોસ્પિટલ બનાવવાની આવશ્યકતા છે. જે રીતે લગભગ 1 વર્ષ પૂર્વે ચીને કર્યું હતું. તમારે આવું જ કરવું પડશે. તમે હોસ્પિટલમાં બેડ ના હોવાને કારણે લોકોને રસ્તાઓ પર ના છોડી શકો. ઓક્સિજનની સ્થિતિ પણ નાજુક છે. અપર્યાપ્ત ઓક્સિજન એ ચિંતાજનક બાબત છે.
હોસ્પિટલના બેડ, ઓક્સિજનની અછત, પીપીઇ કિટની તંગી અને અન્ય મેડિકલ સપ્લાયની સમસ્યાઓ અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ વાયરસના પ્રસારને અટકાવવા માટે લોકડાઉન પણ જરૂરી હોવાનું સૂચન કર્યુ હતું.
(સંકેત)