Site icon Revoi.in

એશો-આરામનું જીવન જીવેલા માલ્યાને હવે નાણાંના ફાંફા, પોતાના વકીલને આપવાના પણ પૈસા નથી

Social Share

લંડન: ભારતના ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યાને હવે નાણાંના ફાંફા છે. ભારતમાં એશો-આરામનું જીવન વ્યતિત કરનાર માલ્યાને લંડનમાં હજાર અને લાખ રૂપિયાનો હિસાબ રાખવો પડી રહ્યો છે. વિજય માલ્યાની હાલત એવી કફોડી થઇ ચૂકી છે કે તેની પાસે પોતાના વકીલને ફી આપવા માટેના પણ રૂપિયા નથી. તેના અંગત ખર્ચ પર તો પૂરી રીતે બ્રેક લાગી ગઇ છે.

ભારતની તપાસ એજન્સીઓની કડકાઇથી ઘેરાયેલા વિજય માલ્યાએ લંડનની હાઇકોર્ટને અપીલ કરી છે કે તેમની ફ્રાંસની પ્રોપર્ટી વેચવાથી જે રૂપિયા મળ્યા છે તેમાંથી તેમને 14 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવે.

અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે લંડનમાં વિજય માલ્યોનો કેસ લડી રહેલા બેરિસ્ટરે કહી દીધું છે કે જો તેમને જલ્દી તેમની ફી ના મળી તો તેઓ આગામી સુનાવણીથી કેસ લડવાનું બંધ કરી દેશે. અત્યારે લંડનની કોર્ટે વિજય માલ્યાની સંપત્તિઓને પોતાની નજર હેઠળ રાખી છે. માલ્યા આ સંપત્તિઓને વેચી શકતા નથી, ના આની પર લોન લઇ શકે છે.

વિજય માલ્યાની કફોડી હાલત જોતા લંડનની કોર્ટે દયા દાખવીને વિજય માલ્યાના કોર્ટની ફી ભરવા માટે 39 લાખ રૂપિયા રિલીઝ કરવા માટે તૈયાર થઇ ગયા છે પરંતુ કોર્ટે તેમના અંગત ખર્ચ માટે એક પણ રૂપિયો જારી કર્યો નથી. હવે આ કેસની આગામી સુનાવણી શુક્રવારે થશે.

નોંધનીય છે કે વિજય માલ્યાના વિરુદ્વ માત્ર લંડનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ કેટલાય કેસ ચાલી રહ્યા છે. આ કેસમાં તેમને ઘણી રકમ ખર્ચ કરવી પડે છે. વિજય માલ્યા ભારતથી ફરાર થઇને લંડનની શરણે છે. ભારતની એજન્સીઓ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટેલાંબી કાનૂની લડત લડી રહી છે.

(સંકેત)