LAC પર નિષ્ફળ આક્રમણ પછી ચીનની પલટી, હવે કહ્યું – અમે તો ભારતીય સરહદ પર શાંતિ સ્થાપવા તૈયાર છીએ
– ભારત અને ચીન વચ્ચે બે દિવસ પહેલા થયેલી અથડામણ પર ચીને મારી પલટી
– અમે ભારત સાથે મંત્રણા કરવા માટે તૈયાર બેઠા છીએ – ચીનના વિદેશ પ્રધાન
– 29-30 ઑગસ્ટે 200 ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂષણખોરીનો કર્યો હતો પ્રયાસ
ભારત અને ચીન વચ્ચે અનેકવાર મંત્રણાઓ થઇ હોવા છત્તાં 29-30 ઑગસ્ટના રોજ ચીને ફરીથી સરહદ પર ઘૂષણખોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે ભારતીય લશ્કરે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જો કે LAC પર નિષ્ફળ આક્રમણ પછી ચીને હવે પલટી મારી છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ફ્રાન્સની ધરતી પર એવો દાવો કર્યો હતો કે અમે ભારતીય સરહદ પર શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે કટિબદ્વ છીએ.
ગ્લોબલ ટાઇમ્સ સાથે વાતચીત કરતા વાંગ યીએ દાવો કર્યો હતો કે ભારત અને ચીન વચ્ચે કોઇ સીમાંકન થયું નથી. સીમાંકન ના થયું હોવાથી સમસ્યાનું સર્જન થઇ રહ્યું છે. ચીન પોતાની પ્રાદેશિક સીમા અને રાષ્ટ્રીય અખંડિતતા જાળવવા કટિબદ્વ છે. ભારત સાથેના તમામ મતભેદો મંત્રણા દ્વારા નિવારી લેવા માટે ચીન તૈયાર હતું.
આપને જણાવી દઇએ કે, 29 અને 30મી ઑગસ્ટના રોજ અંદાજે 200 ચીની સશસ્ત્ર સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભારતીય સૈનિકોએ બહાદુરીપૂર્વક ચીની સૈનિકોને ખદેડી કાઢ્યા હતા. લદ્દાખમાં ભારતીય સીમામાં પેંગોંગ સરોવર નજીક આ હિંસક અથડામણ થઇ હતી.
ભૌગોલિક દૃષ્ટિએ જોઇએ તો આ શિખર પર અત્યારસુધી કોઇ દેશનો કબજો નહોતો. બંને દેશો વચ્ચે થયેલી મંત્રણા દરમિયાન પણ શિખરનો મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો. પરંતુ મંત્રણામાં કોઇ નિષ્કર્ષ આવ્યો નહોતો. ચીન આ શીખર પર કબજો કરવાનું ઇરાદો રાખતું હતું, આ જાણીને જ આગમચેતી રાખીને ભારતીય લશ્કરે દરેક પ્રકારની પૂર્વ તૈયારી રાખી હતી.
(સંકેત)