- તાલિબાનને ભારત અંગે આપ્યું નિવેદન
- અમે ભારત સાથે શાંતિથી રહેવા માંગીએ છીએ
- કોઇ દેશ પાડોશી બદલી શકતો નથી
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી સપ્ટેમ્બર સુધીમાં અમેરિકન સૈનિકો પાછા ફરી જશે અને તેના કારણે હવે અફઘાનિસ્તાનમાં રાજકીય હલચલ વધી રહી છે.
અફઘાનિસ્તાનમાં ભારતે રોકાણ કર્યું છે તેથી ભારત પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બીજી તરફ અફઘાનિસ્તાનના તાલિબાન સાથે પાકિસ્તાનના નિકટના સંબંધો છે. અફઘાનિસ્તાનમાં ભારત સાથેના ભાવિ સંબંધોને લઇને સ્થિતિ સ્પષ્ટ થઇ રહી હતી તેવામાં તાલિબાને પણ ભારતને લઇને પોતાનું નિવેદન આપ્યું છે. તાલિબાન અનુસાર, તે ભારત અને બીજા પાડોશી દેશો સાથે શાંતિથી રહી શકે છે.
તાલિબાને કહ્યુ હતુ કે, કોઈ પણ દેશ પોતાના પાડોશીઓને બદલી શકતુ નથી. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ભારત અને કાશ્મીર અંગે પૂછાયેલા સવાલ પર તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યુ હતુ કે, પાકિસ્તાન અમારો પાડોશી દેશ છે. બંનેનો ઈતિહાસ અને મૂલ્યો સમાન છે. ભારત અમારા જ ક્ષેત્રનો દેશ છે. અમારે એ હકીકત સ્વીકારવી રહી કે કોઈ પણ દેશ પોતાની પડોશના કે પોતાના ક્ષેત્રના દશને બદલી શકતો નથી. અમે શાંતિપૂર્ણ રીતે રહેવા માંગીએ છે અને એ જ તમામના હિતમાં છે.
નોંધનીય છે કે, છેલ્લા બે દાયકામાં ભારતે અફઘાનિસ્તાનને વિકાસ માટે મદદ કરવા 3 અબજ ડોલર આપ્યા છે. જેના કારણે ભારતનો અહીંયા પ્રભાવ વધ્યો છે અને તેનાથી પાકિસ્તાનની ચિંતા વધી છે.