“તમારા નેતૃત્વ હેઠળ 60 દેશોમાં કોરોનાની રસી ઉપલબ્ધ બની”, WHOના ચીફે PM મોદીની કરી પ્રશંસા
- કોરોના વાયરસ સામેની લડતમાં ભારતની વૈશ્વિક સ્તરે નોંધપાત્ર ભૂમિકા
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડા ટેડ્રોસ ગેબ્રેયસસે પણ ભારતની કરી પ્રશંસા
- વિશ્વના અનેક દેશોને રસી પહોંચાડવા બદલ WHO ચીફે PM મોદીની કરી પ્રશંસા
જીનેવા: કોરોના વાયરસ સામેની લડતમાં ભારતની નોંધપાત્ર અને મહત્વપૂર્ણ ભૂમિકાને લઇને વિશ્વ સ્વાસ્થય સંગઠન(WHO)ના ચીફ ટેડ્રોસ અધનો ગેબ્રેયસસે ભારતના પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. પોતાના દેશના નાગરિકો સહિત વિશ્વના અન્ય ઘણા દેશોમાં કોરોનાની રસી પહોંચાડવા બદલ ટેડ્રોસે પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડાએ પીએમ મોદીને ટેગ કરીને ટ્વીટમાં લખ્યું છે કે, રસી ઇક્વિટીને ટેકો આપવા બદલ પીએમ મોદીનો આભાર. COVAX પ્રત્યેની તમારી પ્રતિબદ્વતા તેમજ 60 કરતાં વધુ દેશો સાથે કોવિડ 19 રસીના ડોઝ શરે કરવાથી તે સ્થાનોમાં કોરોના સામેની લડતમાં મદદ મળી રહી છે. તે દેશોએ આરોગ્ય સંભાળ કાર્યકરો તેમજ અન્ય જૂથોને રસી આપવાનું શરૂ કર્યું છે. હું આશા રાખા છું કે બાકીના દેશો પણ તમારા દ્રષ્ટાંતનું અનુકરણ કરશે.
નોંધપાત્ર વાત એ છે કે ભારતે કોરોના વાયરસ સામેના યુદ્ધમાં એકતા દર્શાવતા વિશ્વના ઘણા દેશોમાં એન્ટી કોવિડ -19 રસીના 361.91 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ અનુસાર કોવિડ -19 રસીના 67.5 લાખ ડોઝ વિવિધ દેશોને સબસિડી તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જ્યારે 294.44 લાખ ડોઝ વ્યાપારી પુરવઠા હેઠળ મોકલવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ભારત પાસે હાલમાં કોવેક્સિન અને કોવિશિલ્ડના રૂપમાં કોરોના સામે બે રસી છે. કોવેક્સિન ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા વિકસિત કરવામાં આવી છે. જ્યારે કોવિશિલ્ડ કોરોના વેક્સીન ઓક્સફર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવવામાં આવી છે.
(સંકેત)