- કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને WHOએ આપ્યું નિવેદન
- ચીનને હવે ઉત્પત્તિ અંગે વધુ આંકડા ઉપલબ્ધ કરાવવા મજબૂર ના કરી શકાય
- જો કે આ મુદ્દે તપાસ ચાલુ રહેશે
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે અને કોરના વાયરસની ઉત્પત્તિ ચીનમાંથી થઇ છે તેને લઇને કોઇ નક્કર પુરાવા મળ્યા નથી. તેમ છતાં અનેક દેશો આ માટે ચીનને જ જવાબદાર માની રહ્યાં છે. ત્યારે આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, તે ચીનને વાયરસની ઉત્પત્તિ અંગે વધુ આંકડા ઉપલબ્ધ કરાવવા માટે મજબૂર ના કરી શકે.
WHO જો કે એ વાત પર પ્રયાસરત રહેશે કે એ મુદ્દે તપાસ ચાલુ રહેવી જોઇએ કે આખરે વાયરસ ક્યાંથી આવ્યો અને સમગ્ર વિશ્વમાં કઇ રીતે ફેલાયો.
કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને શોધમાં લાગેલું અમેરિકા વાયરસની ઉત્પત્તિને લઇને કોઇપણ સંજોગોમાં ચીનને હળવાશમાં લેવા તૈયાર નથી અને સતત તેના પર નિશાન સાધી રહ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેને કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવતા કહ્યું કે, જો કોરોના વાયરસનો ખાત્મો કરવો હોય તો તેના મૂળ સુધી જવું પડશે. જે રીતે તપાસ થવી જોઇએ તે માટે ચીન સહયોગ નથી આપી રહ્યું.
નોંધનીય છે કે, અનેક દશો એવું માને છે કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી પ્રસર્યો છે અને સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. જો કે તેને લઇને હજુ સુધી કોઇ નક્કર પુરાવા પ્રાપ્ત નથી થયા.