- કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ માટે ડબલ્યુ.એચ.ઓની ટીમ ચીનના વુહાન જશે
- વિશ્વ આરોગ્ય સંગઠન જાન્યુઆરી માસમાં ચીનના વુહાનની લેશે મુલાકાત
- જો કે 1 વર્ષ પછી મહામારીની તપાસ માટે ડબલ્યુ.એચ.ઓની ટીમની તૈયારી પર આશંકા
જીનેવા: વિશ્વભરના મોટા ભાગના દેશને ઝપેટમાં લેનાર કોરોના વાયરસની ઉત્પતિ સંબંધિત તપાસ માટે વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ જાન્યુઆરીમાં ચીનના વુહાન શહેરની મુલાકાત લેશે. 1 વર્ષ પછી આ વૈશ્વિક મહામારીની તપાસ માટે ડબલ્યુ.એચ.ઓની ટીમ વુહાન જઇ રહી હોવાથી ઘણા લોકોએ સવાલ પણ ઉઠાવ્યા છે. લોકોને આશંકા છે કે આ મુલાકાતનું કોઇ સાર્થક પરિણામ નીકળશે કે કેમ. બીજી તરફ ચીન કોરોના વાયરસની વુહાનથી ઉત્પતિની આશંકાઓને પાયાવિહોણી જણાવી રહ્યું છે.
આ અંગે ડબલ્યુ.એચ.ઓના પ્રવક્તા હેડિન હેલ્ડર્સને જણાવ્યું કે, આ આંતરરાષ્ટ્રીય મિશન જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ચીન જાય તેવી શક્યતા છે. અત્યારસુધીમાં આ ઘાતક વાયરસથી વિશ્વભરમાં 16,57,062 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 7,46,13,145એ પહોંચી ગઇ છે. તો પણ કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને હજુ કોઇ નક્કર પુરાવા પ્રાપ્ત થઇ શક્યા નથી.
મહત્વનું છે કે, ડબલ્યુ.એચ.ઓ પર આરોપ લાગતા રહ્યા છે કે, તે ચીનના ખોળામાં રમી રહ્યું છે. જણાવાઈ રહ્યું છે કે, જે ટીમ વુહાનની મુલાકાત લેશે, તેની પસંદગી પણ ચીન જ કરી રહ્યું છે. તેના માટે ડબલ્યુએચઓએ તજજ્ઞોની એક યાદી ચીનને સોંપી હતી, જેમાંથી એ લોકોના નામ સામેલ થશે, જે આ મામલાની તપાસ કરશે. સંયુક્ત રાષ્ટ્રના આ સંગઠનને હવે ચીનની મંજૂરી મળી ચૂકી છે.
નોંધનીય છે કે, ડબલ્યુએચઓનો નિર્ણય લેનારા એકમ વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ મે મહિનામાં પોતાના વાર્ષિક સંમેલનમાં વાયરસની ઉત્પત્તિની તપાસ કરવાનો પ્રસ્તાવ સર્વસંમત્તિથી પસાર કર્યો હતો. ચીને પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. આ એકમની અધ્યક્ષતા હાલમાં ભારત કરી રહ્યું છે. ડબલ્યુએચઓના બે સભ્યોની ટીમે ઓગસ્ટમાં ચીનનો પ્રવાસ કર્યો હતો અને કોવિડ-19ના સ્ત્રોતને જાણવા સંબંધમાં ગ્રાઉન્ડ વર્ક પૂરું કર્યું હતું.
(સંકેત)