- કોરોનાને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી આપી ચેતવણી
- આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી શકે
- વૈશ્વિક સ્તરે કોરોનાથી 11.34 લાખ લોકો મૃત્યુ પામ્યા
કોરોનાને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી એકવાર ચેતવણી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટર ટેડ્રોસ અદાનોમ ગ્રેબેસિસે કહ્યું કે આગામી મહિનાઓમાં વૈશ્વિક મહામારીની સ્થિતિ વધારે નાજુક થઇ શકે છે.
કોરોના સંક્રમણને લઇને ચિંતા વ્યક્ત કરતા ટેડ્રોસે કહ્યું કે આપણે આ મહામારીના નાજુક મોડ પર ઉભા છીએ. ખાસ કરીને વિશ્વના ઉત્તર ભાગમાં સ્થિતિ વધુ ગંભીર છે. આગામી કેટલાક મહિનાઓમાં સ્થિતિ વધુ વણસી શકે છે. WHOના પ્રમુખે ભાર મુકતા કહ્યું કે વર્તમાન હાલતમાં કોઇપણ પ્રકારની ડ્રિલ નથી. કેટલાક દેશો બહુ ખતરનાક રસ્તાઓ પર ચાલી રહ્યા છે.
તેમણે કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે કેટલાક સૂચનો કરતા કહ્યું હતું કે અમે આગળ જતા અનિચ્છનીય મૃત્યુ, જરૂરી સ્વાસ્થ્ય સેવાને ધ્વસ્ત થવા તથા સ્કૂલોને ફરી બંધ કરવા જેવી સ્થિતિથી બચવા માટે નેતાઓને તાત્કાલીક પગલાં ભરવા માટે અપીલ કરીએ છીએ.
નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 11.34 લાખ પર પહોંચી ગઇ છે. જ્યારે કે સંક્રમણના કેસ 4.15 કરોડના આંકને પાર થઇ ચૂક્યા છે. ઘણા બધા દેશોમાં વૈશ્વિક મહામારીની બીજી લહેર પણ જોવા મળી રહી છે.
આ સ્થિતિ વચ્ચે કોરોનાને મ્હાત આપવા માટે અનેક દેશોમાં કોરોના વેક્સીન પર કામ ચાલી રહ્યું છે અને કેટલીક જગ્યાએ વેક્સીનની ટ્રાયલ પણ શરૂ થઇ ચૂકી છે. આગામી વર્ષ સુધીમાં કોરોના વેક્સીન માર્કેટમાં આવી જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
(સંકેત)