- કોરોના વાયરસની ઉત્પતિને લઇને વધુ એક રિપોર્ટ
- વાયરસ ફેલાયો તે પહેલા ચીનની લેબના સંશોધકો થયા હતા બીમાર
- 3 કર્મચારીઓને જ્યારે વિશ્વને કોરોના અંગે કશી ખબર નહોતી ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
નવી દિલ્હી: છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. તબાહી મચાવી છે અને લાખો લોકો મોતને ભેટ્યા છે ત્યારે આજે પણ આ વાયરસના ઉદ્દગમ સ્થાનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર વિશ્વ આ વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવી રહ્યું છે જો કે ચીન સતત આ વાતનો ઇનકાર કરી રહ્યું છે. જો કે હવે એક રિપોર્ટમાં એક જોરદાર ખુલાસો થયો છે.
એક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, ચીનના વુહાનની જે લેબથી કોરોના વાયરસ આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે તે લેબના 3 કર્મચારીઓને જ્યારે વિશ્વને કોરોના અંગે કશી ખબર નહોતી ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમેરિકી વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે, વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો તે પહેલા ચીનમાં વુહાનની લેબના સંશોધકો સંક્રમિત થયા હતા. રિપોર્ટ અનુસાર વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલોજીના 3 સંશોધકો નવેમ્બર 2019માં બીમાર થયા હતા અને તેમણે હોસ્પિટલમાં સારવાર માટે મદદ માંગી હતી. આ સંશોધકોમાં કોરોના સંક્રમણના લક્ષણો હતા. નવેમ્બર 2019 બાદ ડિસેમ્બર-જાન્યુઆરી વચ્ચે જ વિશ્વને કોરોના મહામારી અંગે જાણવા મળ્યું હતું.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક ટીમ કોરોના વાયરસના તથ્ય અંગે તપાસ કરવા માટે વુહાન પણ ગઈ હતી. પરંતુ ચીને કેટલાક ક્ષેત્રમાં તપાસ ન કરવા દીધી અથવા તો તમામ પુરાવાઓનો નાશ કરી દીધો. તપાસ દરમિયાન સ્વાસ્થ્ય સંગઠનને કોઈ નક્કર પુરાવા નહોતા મળ્યા.
મહત્વનું છે કે, આજથી જ્યારે જીનેવા ખાતે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની મહત્વની બેઠક શરૂ થઇ રહી છે ત્યારે જ આ ખુલાસો સામે આવ્યો છે. આ બેઠક 1 જૂન સુધી ચાલશે. આ બેઠક દરમિયાન કોરોના મહામારીને નષ્ટ કરવાના ઉપાયો અને ભવિષ્યમાં આ પ્રકારની અન્ય કોઇ બીમારીને રોકવા માટેના ઉપાયો અંગે પણ ચર્ચા કરાશે.