નોર્થ કોરિયાની કરતૂત, હવે અમેરિકા સુધી પ્રહાર કરી શકતી બેલિસ્ટિક મિસાઇલનું કર્યું પરીક્ષણ
- ઉત્તર કોરિયાનું કારસ્તાન
- હવે વધુ એક બેલેસ્ટિક મિસાઇલનું કર્યું પરીક્ષણ
- આ મિસાઇલ અમેરિકા સુધી પ્રહાર કરી શકે છે
નવી દિલ્હી: ઉત્તર કોરિયા પણ અનેકવાર ઉશ્કેરણીજનક હરકતો કરતું રહે છે. હવે ઉત્તર કોરિયાએ એક મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે જે અમેરિકાના ગુઆમ પ્રદેશ સુધી પ્રહાર કરવા માટે સક્ષમ છે. તાજેતરના વર્ષોમાં ઉત્તર કોરિયાનું આ સૌથી શક્તિશાળી મિસાઇલ પરીક્ષણ છે. આ પરીક્ષણ બાદ અમેરિકાએ આ ક્ષેત્રમાં પોતાના સહયોગીઓની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે પ્રતિબદ્વતા દર્શાવી છે.
મિસાઇલ પર કેટલાક કેમેરા લાગેલા છે જેણે અવકાશમાંથી પૃથ્વીની તસવીર કેપ્ચર કરી હતી અને ડિફેન્સ એકેડમી ઑફ સાયન્સે આ શસ્ત્ર પ્રણાલીની સચોટતા, સલામતી તેમજ અસરકારકતાની પુષ્ટિ કરી હતી. ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે, તેણે તેના પૂર્વ કિનારા તરફ મિસાઇલ છોડ્યું. તેણે વધારાની માહિતી આપી ન હતી. આ મિસાઇલ મહત્તમ 2,000 કિમીની ઊંચાઇએ પહોંચી અને કોરિયન દ્વીપકલ્પ અને જાપાન વચ્ચે સમુદ્રમાં પડી હતી અને 800 કિમીનું અંતર કાપ્યુ હતું.
આપને જણાવી દઇએ કે અગાઉ પણ વર્ષ 2017માં ઉત્તર કોરિયાએ ત્રણ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું. જે યુએસની અંદર ઊંડે સુધી મારવામાં સક્ષમ છે. Hwasong-12એ પરમાણુ સક્ષમ સપાટીથી સપાટી પર મારવાની ક્ષમતા ધરાવતી મિસાઇલ છે. તે મહત્તમ 4,500 કિમીનું અંતર કાપી શકે છે. આ અંતર અમેરિકાના ગુઆમ પ્રદેશ સુધી પહોંચવા માટે પૂરતું છે. ઉત્તર કોરિયાએ આ મહિનામાં આ સાતમું પરીક્ષણ કર્યું છે.