નવી દિલ્હી: વિશ્વભરમાં ઓમિક્રોનના કેસનું પ્રસરણ ઝડપી રીતે થઇ રહ્યું છે. ગત એક સપ્તાહમાં સંક્રમણમાં 11 ટકાનો વધારો થયો છે. આ બધા વચ્ચે WHOએ ચેતવણી આપી છે કે, ઓમિક્રોન વેરિએન્ટથી ઉભો થયેલો ખતરો હવે વધી રહ્યો છે. ઓમિક્રોનના કારણે વિશ્વના ઘણાં દેશોમાં કોવિડના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને ખતરો હજુ વધારે છે તેવી ચેતવણી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી છે. ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા કરતાં પણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યો છે અને માત્રે બે કે ત્રણ દિવસમાં તે બમણો થઇ જાય છે. આ ઝડપનું કારણ એ છે કે વિશ્વના ઘણાં દેશોમાં કોવિડના કેસમાં ઝડપી ગતિએ ઉછાળો જોવા મળ્યો છે. બ્રિટન અને અમેરિકામાં સૌથી વધુ કેસ છે.
જો કે બીજી તરફ રાહતના એ પણ સમાચાર છે કે, સાઉથ આફ્રિકામાં કોવિડના કેસ 29 ટકા ઘટ્યા છે. દક્ષિણ આફ્રિકામાં જ સૌથી પહેલા 24 નવેમ્બરે ઓમિક્રોન વેરિએન્ટ જોવા મળ્યો હતો. બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને ડેનમાર્કથી આવતા શરુઆતના આંકડા એ દર્શાવે છે કે ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન સંક્રમણ હોસ્પિટલ જવાનો ખતરો ઓછો છે.
નોંધનીય છે કે, ચીનમાં ગત 24 કલાકમાં 200 નવા કોવિડના કેસ નોંધાયા છે. જે લગભગ 20 મહિનામાં સૌથી મોટી દૈનિક વૃદ્વિ છે. આ માહિતી મીડિયા એજન્સી દ્વારા આપવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે, ભારતમાં પણ ઓમિક્રોનના કેસોનું પ્રસરણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. ભારતમાં સપ્તાહ દરમિયાન 600 કરતાં વધુ કેસ જોવા મળી રહ્યા છે અને હવે સરકારે કોવિડના પ્રોટોકોલાનું સખત રીતે પાલન કરવા માટે લોકોને સૂચના આપી છે અને હવે દેશમાં વેક્સિનેશન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.