Site icon Revoi.in

બ્રિટનમાં ઓમિક્રોનનો ફૂંફાડો, દર 20માંથી 1 વ્યક્તિ કોવિડનો શિકાર, લંડન સૌથી વધુ પ્રભાવિત

Social Share

નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટે સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ છે ત્યારે બ્રિટનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં 20માંથી એકથી વધારે લોકોને કોરોના થઇ ચૂક્યો છે. બ્રિટનમાં લંડન કોવિડથી સૌથી વધુ પ્રભાવિત જણાઇ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિટનમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. આંકડા અનુસાર બ્રિટનમાં 20માંથી એકથી વધારે લોકોને કોરોના થઇ ચૂક્યો છે. આ આંકડા વર્ષ 2021ના અંતિમ સપ્તાહના છે. દર્દીની સંખ્યાની દૃષ્ટિએ લંડન સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઇંગ્લેન્ડમાં કોવિડની તપાસ સાથે જોડાયેલા કેટલાક નિયમો પણ યુકેની સરકારે જાહેર કર્યા છે.

ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ અનુસાર યૂકેમાં અંદાજીત 37 લાખ લોકો વાયરસથી સંક્રમિત છે. ઓમિક્રોનના કેસ વધવાને કારણે બ્રિટનમાં કોવિડના કેસમાં ઉછાળો નોંધાયો છે. ગત સપ્તાહે કોવિડ સંક્રમિતોની સંખ્યા 23 લાખને પાર થઇ હતી. ONS અનુસાર લંડનમાં 10માંથી 1ને કોવિડ થઇ ચૂક્યો છે. ત્યારે ઇંગ્લેન્ડમાં અંદાજીત રૂપથી 15માંથી એક વ્યક્તિને કોરોના થઇ ચૂક્યો છે.

બ્રિટનમાં વધતા કેસ વચ્ચે તકેદારીના ભાગરૂપે સરકારે સ્કોલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયરલેન્ડના કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધો લાગૂ કર્યા છે. અહીં 20માંથી એક અને 25માંથી એક વ્યક્તિ સંક્રમિત થઇ ચૂક્યો છે. ઇંગ્લેન્ડમાં 11 જાન્યુઆરીથી પોઝિટિવ આવેલા એસિમ્ટોમેટિક લોકોને PCR ટેસ્ટ કરાવવાની આવશ્યકતા નહીં રહે.

લેટરલ ફ્લો ડિવાઈસ પર પોઝિટિવ આવનારે સેલ્ફ આઈસોલેટ થવાનું રહેશે. આ વ્યવસ્થા ગુરુવારે સ્કોટલેન્ડ અને વેલ્સમાં શરુ થવા જઈ રહી છે. જો કે પીએમ જોનસને ઈંગ્લેન્ડમાં મોટા પ્રતિબંધોની જગ્યાએ રસીકરણ કાર્યક્રમ પર ધ્યાન લગાવ્યું છે.