UNHRC: ભારતે પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું – આતંકીઓને ખુલ્લુ સમર્થન આપવા માટે પાકિસ્તાન જાણીતું છે
- UNHRCની બેઠકમાં ભારતે પાકિસ્તાન પર નિશાન સાધ્યું
- આતંકીઓને ખુલ્લુ સમર્થન આપવા માટે પાકિસ્તાન જાણીતું છે
- પાકિસ્તાન શીખ, હિંદુ સહિતના અલ્પસંખ્યકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ નિવડ્યું છે
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 48માં સત્રમાં ભારતે પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે બરોબરનું ઘેર્યુ હતું અને તેના પર નિશાન સાધ્યું હતું. ભારતે કહ્યું હતું કે, પાકિસ્તાન એક એવો દેશ છે જેને વિશ્વ સ્તર પર આતંકવાદીઓનું ખુલ્લુ સમર્થન, તાલીમ, ફન્ડિંગ અને હથિયાર આપવા માટે જાણીતું છે. તેમાં સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિબંધિત આતંકીઓ પણ સામેલ છે. પાકિસ્તાન રાજકીય નીતિ તરફ ખુલ્લીને આતંકીઓનું સમર્થન કરી રહ્યું છે. અમારા દેશ વિરુદ્વ પોતાના ખોટા અને દુર્ભાવનાપૂર્ણ પ્રોપેગેન્ડાનો પ્રચાર કરવા માટે પરિષદ તરફથી આપવામાં આવેલા મંચોનો દુરુપયોગ કરવો પાકિસ્તાનની આદત બની ગઇ છે.
માનવાધિકાર પરિષદ પાકિસ્તાન તરફથી તેની સરકાર દ્વારા કરવામાં આવેલા ગંભીર માનવાધિકારના ઉલ્લંઘનથી ધ્યાન હટાવવાના પ્રયાસથી માહિતગાર છે, જેમાં તેના કબ્જાવાળા ક્ષેત્ર પણ સામેલ છે. સંબંધિત બહુપક્ષીય સંસ્થાઓ આતંકી ધિરાણ રોકવામાં નિષ્ફળતા અને આતંકી સંસ્થાઓ સામે અસરકારક કાર્યવાહીના અભાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી રહી છે. પાકિસ્તાન શીખ, હિંદુ, ઇસાઇ અને અહમદિયા સહિત પોતાના અલ્પસંખ્યકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ નિવડ્યું છે તેવું ભારતે કહ્યું હતું.
ભારતે જમ્મૂ કાશ્મીર પર વાત કરતા કહ્યું હતું કે, અમે ફરી એકવાર ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોર્પોરેશન દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ અને કાશ્મીરના સંદર્ભમાં આપવામાં આવેલા ઉલ્લેખને નકારીએ છીએ. જમ્મૂ કાશ્મીર ભારતનો જ અતૂટ ભાગ છે.