- પાકિસ્તાન અને તુર્કી સુરક્ષાદળોમાં બાળકોને સામેલ કરી રહ્યા છે
- અમેરિકાના ટ્રાફકિંગ ઇન પર્સન નામના રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો
- ચાઈલ્ડ સોલ્જર પ્રિવેન્શન એકટ હેઠળ આ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે
નવી દિલ્હી: આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન તેની હરકતો માટે બદનામ છે ત્યારે હવે પાકિસ્તાન અને તેનો મિત્ર દેશ સુરક્ષાદળોમાં બાળકોને પણ સામેલ કરી રહ્યો છે. અમેરિકાના ટ્રાફકિંગ ઇન પર્સન નામના રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે.
પાકિસ્તાનને અને તુર્કીને એવા દેશોની સૂચિમાં સામેલ કરાયા છે જે પોતાના સુરક્ષાદળોમાં બાળકોની ભરતી કરે છે. આ લિસ્ટમાં સામેલ દેશોને અમેરિકા દ્વારા સૈન્ય સહાય કરવા માટે પ્રતિબંધ પણ લગાવવામાં આવતા હોય છે. પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે.
ચાઈલ્ડ સોલ્જર પ્રિવેન્શન એકટ હેઠળ આ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાં એવા દેશોને સામેલ કરાય છે જે પોતાની સેના, પોલિસ કે બીજા સુરક્ષા દળોમાં બાળકોને એટલે કે પંદર વર્ષથી નીચેના સગીરોને સામેલ કરે છે. આ રિપોર્ટમાં હવે પાકિસ્તાન અને તેના આકા ગણાતા તુર્કીનુ નામ પણ છે. સાથે સાથે તેમાં અફઘાનિસ્તાન, બર્મા, ઈરાન, કોંગો, ઈરાક, લિબિયા, માલી, નાઈજેરિયા, સોમલિયા જેવા દેશો પણ સામેલ છે.
આ દેશોને પીસ મિશન માટે મળતી મદદ રોકવામાં આવી શકે છે. આ લિસ્ટમાં કોંગો, સોમાલિયા અને યમનના નામ 2010થી છે. તે વખતે લિસ્ટમાં 6 દેશના નામ હતા. હવે 14 દેશોનો સમાવેશ થઈ ચુકયો છે. અમેરિકન સરકારના કહેવા પ્રમાણે 18 વર્ષથી ઓછી વયનો કોઈ પણ સગીર જો સુરક્ષાદળોમાં હોય તો તેને ચાઈલ્ડ સોલ્જર કહેવામાં આવે છે.