Site icon Revoi.in

પાકિસ્તાને પલટી મારી, ભારતથી હવે કપાસ-ખાંડની આયાત નહીં કરે

Social Share

નવી દિલ્હી; પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે હવે પલટી મારી છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સ્થાનિક સ્તર પર થઇ રહેલા વિરોધ સામે ઝૂકી જઇ ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત કરવાના નિર્ણયને પલટી નાખ્યો છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇમરાન ખાનની કેબિનેટે ભારત પાસેથી કપાસ અને ખાંડ આયાત કરવાના કેબિનેટ આર્થિક સમન્વય સમિતિના નિર્ણયને ફગાવી દીધો છે.

ગુરુવારે પાકિસ્તાનની કેબિનેટના નિર્ણયમાં કપાસની આયાતના નિર્ણય પર રોક લગાવવાનો નિર્ણય થયો. એ પહેલા પાકિસ્તાનની કેબિનેટ આર્થિક સમન્વય સમિતિએ બુધવારે ભારત સાથે વેપારને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી હતી. સમિતિએ કહ્યું હતું કે, પાકિસ્તાન 30 જૂન 2021થી ભારતમાંથી કપાસ આયાત કરશે. પાકિસ્તાન સરકારે ખાનગી ક્ષેત્રને ભારત પાસેથી ખાંડની આયાતને પણ મંજૂરી આપી દીધી હતી.

પાકિસ્તાને વર્ષ 2016માં ભારતમાંથી કોટન અને અન્ય કૃષિ ઉત્પાદનોને આયાત પર રોક લગાવી દીધી હતી. સૂત્રો મુજબ, પાકિસ્તાનમાં ખાંડની વધતી કિંમતો અને સંકટોનો સામનો કરી રહેલા કાપડ ઉદ્યોગને બચાવવા માટે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે ભારતની સાથે વેપારની ફરીથી શરૂઆત કરવાની મંજૂરી આપી હતી. બંને દેશોમાં તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે આ પાકિસ્તાનનો ભારત સાથે સંબંધો સુધારવાની દિશામાં પહેલો મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો હતો.

કપાસની અછતને કારણે પાકિસ્તાનના કાપડ ઉદ્યોગને ભારે સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનના કાપડ મંત્રાલયે ભારતમાંથી કપાસની આયાત પર લાગેલા પ્રતિબંધને હટાવવાની ભલામણ કરી હતી, જેથી કાચા માલની અછતને દૂર કરી શકાય.

(સંકેત)