- પાકિસ્તાનની નાપાક હરકતોની પોલ ખોલતો વધુ એક રિપોર્ટ
- ભારતની મદદના બહાને પાકિસ્તાની સંસ્થાઓએ કરોડો ઉઘરાવ્યા
- આ જ પૈસાનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કરાઇ રહ્યો હોવાની આશંકા
નવી દિલ્હી: પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો ખુલાસો કરતા રિપોર્ટથી હડકંપ મચી ગયો છે. એક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, કોરોના મહામારી દરમિયાન ભારતને મદદ કરવાના બહાને પાકિસ્તાની સંગઠનો (NGOs) એ કરોડો રૂપિયા એકત્ર કર્યા હતા અને હવે આ નાણાં આતંક ફેલાવવા માટે વપરાય તેવી ભીતિ સેવાઇ રહી છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની બિન-સરકારી ચેરિટી સંસ્થાઓએ કોરોના સંકટ સમયે ભારતને મદદ કરવાના નામે કરોડો રૂપિયા એકત્ર કર્યા હતા. આ સંગઠનોએ હેલ્પ ઇન્ડિયા બ્રીથ નામનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં દાવો કરાયો હતો કે ભારતને ઑક્સિજન, વેન્ટિલેટર અને વેક્સિન સહિતની અન્ય તબીબી સુવિધાઓમાં મદદ કરશે. ભારત જેવા દેશની વિશ્વસનીયતાને ધ્યાનમાં લઇને લોકોએ ઘણા પૈસા આપ્યા હતા.
હવે લેબના રિપોર્ટમાં તેને સૌથી મોટું કૌંભાડ ગણાવતા કહેવામાં આવ્યું છે કે, આ સંગઠનોના પાકિસ્તાન આર્મી સાથે સંબંધો છે અને તેઓ તેના ઇશારે કામ કરે છે. આવી સ્થિતિમાં આશંકા છે કે એકત્ર કરાયેલા નાણાંનો દૂરુપયોગ ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં થઇ શકે છે.
રિપોર્ટમાં એવા દાવો કરાયો છે કે નાણા એકત્ર કરનાર સંગઠનોમાં ઇમાના એટલે કે ઇસ્લામિક મેડિકલ એસોસિએશન ઑફ નોર્થ અમેરિકાની પણ સંડોવણી છે. 27 એપ્રિલ, 2021ના રોજ ઇમાનાએ સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર હેલ્પ ઇન્ડિયાન બ્રીથ અભિયાન શરૂ કર્યું હતું.
જોકે, આ અભિયાનમાંથી કેટલી રકમ મળી છે તે અંગે સંગઠને જણાવ્યું નથી, તેમજ ક્યાં કેટલી રકમ ખર્ચ કરવામાં આવી તે અંગે પણ માહિતી નથી આપવામાં આવી. આ સમગ્ર ઘટનાને ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવતાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 1967માં સ્થપાયેલ ઇમાનની ક્યાંય ઓફિસ કે બ્રાન્ડ નથી. આવી સ્થિતિમાં તેને દાન એકત્ર કરતા અટકાવી શકાતા નથી.