ચીનની ધમકીથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન, આતંકી હુમલામાં માર્યા ગયેલા ચીની નાગરિકો માટે કરોડો રૂપિયાનું વળતર આપવા લાચાર
- ચીનની ધમકી સામે ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન
- હવે આતંકી હુમલામાં માર્યા ગયેલા ચીની નાગરિકો માટે આપશે કરોડોનું વળતર
- ચીને આપી હતી આવી ધમકી
નવી દિલ્હી: આતંકીઓનું આશ્રયદાતા પાકિસ્તાન આર્થિક રીતે ચીનનું જ ગુલામ છે અને હવે આ વાત સાબિત પણ થઇ છે. ચીન પોતાનું ધાર્યું કામ પણ પાકિસ્તાન પાસે પાર પડાવે છે.
થોડાક સમય પહેલા પાકિસ્તાનના એક હાઇડ્રોઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીનના નાગરિકો પર આતંકી હુમલો થયો હતો. જેમાં 10 નાગરિકોના મોત થયા હતા અને 26 ઘાયલ થયા હતા.
જો કે ચીને હવે પોતાના નાગરિકો માટે પાકિસ્તાન માટે વળતર માંગ્યું છે. જો પાકિસ્તાને વળતર આપવા આનાકાની કરતા ચીને પોતાની જોહુકમી દર્શાવી કામ બંધ કરી દેવાની ચિમકી આપી હતી. અંતે ચીનની આ ધમકીથી ડરી ગયેલું પાકિસ્તાન હવે આ નાગરિકોને કરોડો રૂપિયાનું વળતર આપવા તૈયાર થયું છે.
આ પ્રકારનું વળતર ચૂકવવા માટે પાકિસ્તાન કાયદાકીય રીતે બંધાયેલું ન હતું પરંતુ ચીનની ધમકી સામે પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું હતું અને વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી.
આપને જણાવી દઇએ કે, આ હાઈડ્રો પ્રોજેકટ માટે વિશ્વ બેન્ક પૈસા આપી રહ્યુ છે અને આ યોજના ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો હિસ્સો પણ નથી.
નોંધનીય છે કે, ચીની નાગરિકો પરના હુમલાને પહેલા તો પાકિસ્તાને ગેસ લિકેજના કારણે થયેલા બ્લાસ્ટમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ ચીન ભડકી ગયું હતું અને આ પ્રોજેક્ટ પર કામ બંધ કરવાની ચીમકી આપી હતી. એ પછી પાક. સરકારે આ આતંકી હુમલો હોવાનુ સ્વીકાર્યુ હતુ.