પાકિસ્તાને તાલિબાનને આપી ખુલ્લેઆમ ચેતવણી, અમારા સૈનિકોનું લોહી વહ્યું છે એટલે કામ કોઇ રીતે નહીં રોકાય
- પાકિસ્તાને તાલિબાનને આપી ખુલ્લી ચેતવણી
- સીમા પર કાંટાળા તાર લગાવવાનું કામ ચાલુ જ રહેશે
- તે કોઇપણ હિસાબે નહીં રોકાય
નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સીમા પર તણાવ સતત વધી રહ્યો છે. તાલિબાન અત્યારે અફઘાનની સીમા પર પાકિસ્તાની સેનાના કાંટાળા તાર ઉખાડી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન સતત તાર લગાવી રહ્યું છે. આ વચ્ચે હવે પાકિસ્તાને તાલિબાનને ચેતવણી આપી છે કે, અમારા સૈનિકોનું સરહદ પર કાંટાળા તાર લગાવતા લોહી વહ્યું છે જેથી અમે આ કામ રોકવાના નથી.
પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે ખુલ્લા શબ્દોમાં તાલિબાનને ચેતવણી આપી છે કે, અફઘાનિસ્તાનની સીમા પર કાંટાળા તાર લગાવાનું યથાવત્ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે સરહદ પર કામ કરતી વખતે અમારા સૈનિકોનું લોહી વહ્યું છે જેથી આ કામ નહીં રોકવામાં આવે.
ડૂરંડ સરહદ પાસેથી લોકોની સુરક્ષા તેમજ વેપારને નિયમિત કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સીમા પર બાડ સુરક્ષા બોર્ડર ક્રોસિંગ અને વેપાર રેગ્યુલેટ કરવાની આવશ્યકતા છે.
સીમા વિવાદને લઇને અફઘાનિસ્તાન સાથે અનેક મંત્રણા ચાલી રહી હોવાનું પણ મેજર જનરલ ઇફ્તિખારે કહ્યું હતું. સાથે જ જનરલે ઉમેર્યું હતું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સીમા પર જે કાંટાળા તાર લગાવવાનું કામ પણ થોડાક દિવસોમાં જ પૂરું કરી દેવામાં આવશે.